અમદાવાદઃ કેન્દ્ર સરકારે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે. મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુસર ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2022-23 માટે ખરીફ પાકોની MSP વધારવનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારે 14 ખરીફ પાકો સહિત 17 પાકોની MSPમાં વદારો કર્યો છે. ડાંગરના લઘુતમ ટેકાના ભાવમાં રૂ. 100નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સૂર્યમુખીની MSPમાં રૂ. 385નો મહત્તમ વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે કેબિનેટે મકાઈની MSP વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. ડાંગર, સોયાબીન અને મકાઈ ઉપરાંત મગફળી, તુવેર, મગ, જુવાર, બાજરી અને રાગીના ટેકાના ભાવમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. વળી, સરકાર કઠોળ અને તેલીબિયાંના પાકોમાં મહત્તમ વધારો કર્યો છે.
સરકારે કોટન મિડિયમ ફાઇબરની MSPમાં રૂ. 354નો, સોયાબીનમાં રૂ. 350નો અને અડદ, મગફળી અને તુવેરના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 300નો વધારો કરવામાં આવ્યો છે.