રૂપાલા પર વર્ષયા મૃતકોના પરિવારજનો, “66 કલાક ક્યાં હતા?”

સૌરાષ્ટ્રના રાજકોટ સહિત આખા રાજ્ય માટે શનિવાર 25મે એક ગોઝારો દિવસ સાબિત થયો. 99 રૂપિયાની ટીકિટે 28 લોકોને ભભૂતિ ગઈ હતી. શનિવારે સાંજના સમય આસપાસ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. ત્યારે સમગ્ર ઘટના ઘટિત થયાના 66 કલાક બાદ ઘણાં સમયથી વિવાદોમાં રહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. મૃતકોને જોવા પહોંચેલા પરશોત્તમ રૂપાલા પર મૃતકના પરિવારોનો રોષ ઠલવાતો જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પરશોત્તમ રૂપાલાને પીડિતના પરિવારજનોએ કહ્યું હતું કે, આટલા દિવસથી ક્યાં હતા? તમે મીડિયામાં ફોટા પડાવવા અહીં આવ્યા છો? તે સહિતના મેણા ટોણા માર્યા હોવાનું સામે આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાને મીડિયાએ સવાલ કર્યો હતો કે, અત્યાર સુધી તમે શા માટે અહીંયા નહોતા આવ્યા? જેના જવાબમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, અહીંયા આવવાથી વિવાધાન પેદા થાય છે. એટલા માટે અત્યાર સુધી હું અહીંયા નહોતો આવ્યો. પરંતુ હું સતત અધિકારીઓના સંપર્કમાં હતો. ખુદ મુખ્યમંત્રી જ્યારે રાજકોટ આવ્યા હતા ત્યારે પણ હું તેમની સાથે એઇમ્સ હોસ્પિટલ ખાતે હાજર હતો.

પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે, ‘મૃતદેહના કેટલા ડીએનએ આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે તેવો છે તે માહિતી લેવાના આશયથી મે સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી છે. 17 ડીએનએ ટેસ્ટ અહીં પહોંચ્યા છે. 27 મૃતદેહ સ્થળ પરથી મળી હતી. થોડા અવશેષો પણ મળ્યા છે. તમામ મૃતદેહ ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા છે અને હજુ 10 રિપોર્ટ બાકી છે.’

હાડકાંથી DNA ટેસ્ટ કરવા પડ્યા

ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે. પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહીં હોવાથી મૃતકોના હાડકાંને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ પહોંચાડાયા હતા.