કડીમાં નકલી ઘી પકડાયું, 10 લાખના ઘીના ડબ્બા જપ્ત

મહેસાણા: કડીમાં પાછલા એક મહિનામાં ફરી શંકાસ્પદ નકલી ઘી મળ્યું છે. કડીની બુડાસણ GIDCમાં શંકાસ્પદ નકલી ઘી બનતું હોવાની શંકાએ પોલીસ અને ફૂડ વિભાગે રેડ કરી હતી. જેમાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. કડી પોલીસની રેડ બાદ ફૂડ વિભાગે કાર્યવાહી કરી અને GIDCમાંથી 2500 કિલો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરી લીધો છે. રૂપિયા 10 લાખના 118 ઘીના ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ લઈને ફૂડ વિભાગે હાલમાં તપાસ શરૂ કરી છે અને લેબમાંથી સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ઘી અસલી છે કે નકલી તે ખબર પડશે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર વેજીટેબલ ઘીની ભેળસેળ મળી આવતા ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, 15 કિલોના પેકિંગ કરતા હતા. આ સાથે જ સ્થળ પરથી પેકિંગનો સામાન, પેકિંગ મશીનરી, પેક કરેલા ઘીના ડબ્બા પણ મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ પહેલા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાંથી પણ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. અંદાજે 822 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 5 લાખ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યમાં સતત મળી રહેલા ભેળસેળયુક્ત ઘીના જથ્થા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં લાખો રૂપિયાનું ભેળસેળિયું ઘી ઝડપાય છે. હાલ સુધીમાં અમદાવાદમાં 12 વર્ષમાં 235 કેસનો જ નિકાલ થયો છે. 1914 કેસ પૈકી 235નો નિકાલ થયો છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં 16 ફૂડ સેફ્ટી ઓફિસર છે અને શહેરમાં માત્ર એક જ હરતીફરતી લેબ કાર્યરત છે. આ મામલે મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. ફૂડ ઓફિસરો જથ્થો જપ્ત કરીને રિપોર્ટ માટે મોકલે છે અને આ રિપોર્ટ તહેવારો બાદ આવે છે. ત્યારે ગ્રાહકો જમી જાય પછી રિપોર્ટ આવે તે શું કામનો? તેવો સવાલ ઉઠાવ્યો હતો.