ઊર્જા મંત્રીએ સ્માર્ટ મીટર મુદ્દે આપી સ્પષ્ટતા, વિધાનસભામાં કોંગ્રેસે ઉઠાવ્યો મુદ્દો

અમદાવાદ: રાજ્યમાં પાછલા ઘણા સમયથી સ્માર્ટ મીટરને ડખ્ખો ચાલી રહ્યો છે. પ્રિ-પેઈડ રિચાર્જ સિસ્ટમને લઈ લોકોમાં વિરોધના વંટોળ જોવા મળ્યા હતા. જેની સામે સરકારે તપાસ માટે થોડો સમય સ્માર્ટ મીટરને લઈ લગાવવાની કામગીર પર રોક લગાવી હતી. આ મુદ્દે વિધાનસભાના સત્ર ફરી એક કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ઉઠાવ્યો હતો. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તેથી તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે.’

રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે.’ ઊર્જા વિભાગના જણાવ્યાનુસાર, હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની અપ્લિકેશન દ્વારા મોબાઇલ પર જ નિયમિત અને તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકને મળી રહે છે.