ગાંધીનગર- ગુજરાતના ખંભાળિયા-લીમડી હાઈવે પર દ્વારિકા નજીક દત્રાણા-જવાનપર ગામ વચ્ચે ઈમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનાવવામાં આવશે. ગુજરાત સહિત કુલ 11 સ્થળોએ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા આ પ્રકારની એર સ્ટ્રીપ બનાવવાની યોજના છે એમ કેન્દ્રીય માર્ગ પરિવહન, રાજમાર્ગ અને શીપીંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આજે ગાંધીનગરમાં આ માહિતી આપી હતી. માંડવિયાએ જણાવ્યું હતું કે પૂર-ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આપદા કે અન્ય આકસ્મિક સંજોગોમાં જ્યારે માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાઈ જાય છે ત્યારે હવાઈ માર્ગ એક માત્ર વિકલ્પ બચે છે. પરંતુ ‘ઈમરજન્સી લેન્ડીંગ’ની સુવિધાના અભાવે આ સેવાની અસરકારકતા ઘટી જાય છે. આ માટે ભારત સરકારે દેશના વિવિધ નેશનલ હાઈવે પર ‘ઈમરજન્સી લેન્ડીંગ’ની સુવિધા ઉભી કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે ખંભાળિયા-લીમડી હાઇવેથી સમુદ્ર અને સરહદ નજીક હોવાના કારણે આ એર સ્ટ્રીપ આપદા વ્યવસ્થાપન અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
આ ‘ઈમરજન્સી લેન્ડીંગ’ વ્યવસ્થા વિકસાવવા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઇન્ડિયન એર ફોર્સનું એક ઇન્ટર મીનીસ્ટ્રીઅલ કો-ઓર્ડીનેશન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું તેમજ સ્થળની પસંદગી અને જરૂરીયાત નક્કી કરવા ઇન્ડિયન એયરફોર્સ અને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા સંયુક્ત ઇન્સ્પેકશન ગોઠવી સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. શરૂઆતના તબક્કે જુદા-જુદા 29 માર્ગોની પસંદગી કરી તેના પર ઈમરજન્સી લેન્ડીંગ સુવિધા નિર્માણ કરવા અંગે ફીઝીબીલીટી સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો. ફીઝીબીલીટી સ્ટડીના આધારે 13 માર્ગો પર ઈમરજન્સી લેન્ડીંગ સુવિધા નિર્માણ શક્ય જણાયું હતું. આ 13 પૈકી 2 માર્ગો જુદી જુદી રાજ્ય સરકારો હસ્તકના છે, જ્યારે બાકીના 11 સ્થળો નેશનલ હાઈવે ઓથોરીટી હસ્તકના છે.
આ ઈમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપની ડીઝાઈન તથા જરૂરી સુવિધાઓ માટે સ્ટાન્ડર્ડ ડીઝાઇન બનાવવામાં આવી છે. આ ડીઝાઈન અનુસાર તેમા ચાર હવાઈયાન પાર્કિંગ સ્લોટ, એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર તેમજ એર સ્ટ્રીપનાં બંને છેડે ફાટક બનાવાશે. આ ઉપરાંત એર સ્ટ્રીપની બન્ને સાઈડપર વીજળીના થાંભલા, મોબાઈલ ટાવર, વૃક્ષો, વગેરે દૂર કરવામાં આવશે. 5 થી 6 કી.મી. લંબાઈની આ એર સ્ટ્રીપમાં રોડ વચ્ચે ડીવાઈડર રહેશે નહિ. 60 મીટર પહોળા આ રોડમાં બંને બાજુ મળીને ૩૩ મીટર જેટલો સિમેન્ટ કોંક્રીટ રોડ રહેશે.
ગુજરાતમાં પણ ખંભાળિયા-લીંબડી નેશનલ હાઈવે પર દ્વારકા જીલ્લામાં ‘જવાનપર-દત્રાણા ગામ’ વચ્ચે 5 કી.મી. લંબાઈની ઈમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપ બનાવવાનું કામ ચાલુ કરાયું છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા 83.66 કરોડ છે. આ દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ ઈમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનશે.
દેશમાં જે 11 જગ્યા પર નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ઈમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપ બનાવવાની છે તેની યાદી નીચે મુજબ છે.
રાજ્ય
|
ઈમરજન્સી લેન્ડીંગ એયર સ્ટ્રીપ
|
ગુજરાત
|
1
|
રાજસ્થાન
|
2
|
પશ્ચિમ બંગાળ
|
1
|
આંધ્રપ્રદેશ
|
2
|
તામિલનાડુ
|
2
|
જમ્મુઅનેકશ્મીર
|
2
|
ઓડીસા
|
1
|
કુલ
|
11
|