અમદાવાદઃ શહેરની એકલવ્ય સ્કૂલને FRC તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આ શાળાએ છેલ્લા 3 વર્ષથી વાલીઓ પાસેથી વન-ટાઈમ એડમિશન ફી તરીકે ઉઘરાવેલી વધારાની 3.51 કરોડ રુપિયા જેટલી રકમ વાલીઓને પરત આપવી પડશે. આ રકમમાં શૈક્ષણિક વર્ષનો પણ સમાવેશ થાય છે. 26 ઓગસ્ટના રોજ અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા આપવામાં આવેલા આદેશમાં આ સૂચિત કરવામાં આવ્યું છે. શાળા સત્તાધિશોએ વન-ટાઈમ એડમિશન ફી પેટે આ રકમ વાલીઓ પાસેથી લીધી હતી.
FRCના ઓર્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “શાળાએ ઉઘરાવેલી વન-ટાઈમ એડમિશન ફી પરત આપવાની લેખિત બાંહેધરી આપી છે. સ્કૂલે શૈક્ષણિક વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 માટે આ ફી લીધી હતી. ત્યારે 3.51 કરોડ રૂપિયાની ચૂકવણી સ્કૂલ 1થી 15 સપ્ટેમ્બર દરમિયાન કરી દેશે.
સ્કૂલે 1.81 કરોડ રૂપિયા ફીક્સ ડિપોઝિટમાં મૂકવાની તૈયારી દર્શાવી છે, જે તેમણે શિક્ષણ ફી તરીકે લીધા હતા. જેથી FRCએ દંડની કાર્યવાહી શરૂ કરી હતી તેને ટૂંકાગાળા માટે સ્થગિત કરાઈ છે.”FRCના ઓર્ડરમાં જણાવ્યા પ્રમાણે, ફિક્સ ડિપોઝિટ કરાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં આ જ સંદર્ભે ચાલી રહેલા એક કેસને ધ્યાને લઈને કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં FRCએ એકલવ્ય સ્કૂલને નોટિસ ફટકારી હતી.
નોટિસમાં તેમણે વિવિધ મથાળા હેઠળ ઉઘરાવેલી ફીની રકમ પરત કરવાનો નિર્દેશ અપાયો હતો. વાલીઓએ ફી નિર્ધારણ સમિતિને ફરિયાદ કરી હતી કે, 2019-20ના શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલ વધારે ફી માગી રહી છે. જેના પરિણામે FRCએ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, “સ્કૂલે હાલમાં જ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં બસ ફી, સ્ટેશનરી અને એક્ટિવિટિઝના નામે ફી માગી હતી. સ્કૂલે વાલીઓ પાસેથી માગેલી આ રકમ 2018-19માં FRCએ નક્કી કરેલી ફી કરતાં 40-45% વધારે હતી. કમિટીએ એકલવ્ય સ્કૂલને ફી ડિક્લેરેશન ફોર્મમાં સૂચવેલા વૈકલ્પિક ચાર્જ વિશે સ્પષ્ટીકરણ કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત સ્કૂલ વાલીઓને વધારાની ફી કેવી રીતે અને કેટલા દિવસમાં પરત આપશે તે વિશે પણ જવાબ માગ્યો હતો.