રાજકોટઃ શહેરમાં એક દુખદ ઘટના બની છે. આઠ વર્ષીય કિશોરી પર બળાત્કાર પછી હત્યા કરી દેવામાં આવી છે. કિશોરીને પથ્થરના ઘા માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. જોકે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશનની હદમાં આવેલી ઝાડીઝાંખરામાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી આઠ વર્ષની ગુમ થયેલી બાળકીની લાશ શનિવારે મળી આવી હતી. જે મામલે પોલીસ તપાસમાં આરોપીઓએ આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તરુણીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આ પકડાયેલા આરોપીઓ એકલા રહી કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને બાળકીના પરિવારજનો સાથે પરિચય ધરાવતા હોવાથી બાળકીને ફોસલાવી અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં તેમણે આ કિશોરી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિહારના મિથિલેશન કુમાર ઉર્ફે કાણિયો દાસ (ઉ. 24), રાજસ્થાનના ભરત મીણા (ઉ.38) અને ઉત્તર પ્રદેશના અમરેશ ઉર્ફે બ્રિજેશ (ઉ.25)ની ધરપકડ કરવામાં આવી છે. માલવિયાનગર પોલીસે પ્રથમ આ બનાવમાં અપહણરની ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ બાળકીની લાશ મળી આવતા હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. હવે આરોપીઓ પકડાયા બાદ તેમને દુષ્કર્મ આચર્યાની કબૂલાત આપ્યા બાદ તેમના મેડિકલ પુરાવાના આધારે ગેંગરેપ તેમજ પોક્સોની અલગ-અલગ કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.
