અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં આઠ લોકોને હાર્ટ-એટેક આવ્યા છે, જેમાં રાજકોટ જિલ્લામાં જ હાર્ટ-એટેકથી સાતનાં મોત થયાં છે. અહેવાલો મુજબ જામનગરના કલેક્ટર બીજલ શાહને આજે હાર્ટ-એટેક આવ્યો હતો, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જિલ્લા કલેક્ટર બીજલ શાહને છાતીમાં દુખાવો થતાં જી.જી. હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને હાર્ટ અટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બીજલ શાહ 2009ની બેચના IAS ઓફિસર છે, અગાઉ તેઓ UGVCLના એમડી, બનાસકાંઠા,પાલનપુરના ડીડીઓ અને બોટાદના કલેકટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જી.જી. હોસ્પિટલમાં તબીબો તેમની સારવાર કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનોમાં હાર્ટ-એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈ કાલે હાર્ટ એટેકને કારણે બે યુવાનોનાં મોત થયા હતા, આ ઉપરાંત ત્રણ પ્રૌઢનાં હાર્ટ-એટેકથી મોત થયાં હતાં. આજે વધુ એક યુવાન અને મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા પ્રૌઢ કેદીનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. રાજકોટમાં 22 વર્ષીય યુવાનનું હાર્ટ-એટેકથી મોત થયું હતું, બે દિવસ પછી શનિવારે તેનાં લગ્ન હતાં. લગ્નના બે દિવસ પૂર્વે વરરાજાનું મોત થતાં બંને પક્ષે શોકનો માહોલ છવાઈ ગયો છે.
રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. અંજારના 55 વર્ષીય કેદી હરિ લોચાણીનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ પ્રાથમિક તારણમાં હાર્ટ-એટેકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટના લોહાનગરમાં ગઈ કાલે 43 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.