રાજકોટમાં અંધશ્રદ્ધાએ વધુ એક શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે. શહેરના મવડીમાં રહેતા ભૂવાએ નર્સિંગનો અભ્યાસ કરી ચુકેલી યુવતીને તારા પિતા ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે તેમનું મૃત્યુ થશે તેને બચાવવા માટે તારે મારી પાસે આવી વિધિ કરાવવી પડશે કહી જાળમાં ફસાવી હતી. બાદમાં યુવતી પરિવારને છોડી આ ભૂવા સાથે રહેવા લાગી હતી. દરમિયાન ગત 13 તારીખે હોળીના દિવસે ભૂવાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ગઇકાલે(17 માર્ચ) તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવતીને મરવા મજબુર કરવા બદલ ભૂવા કેતન સાગઠીયા સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ફરાર પાખંડી ભૂવાને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે, રાજકોટમાં મવડી ગામે રહેતી કોમલે 13મી માર્ચે ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી દવાની અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જ્યા કોમલનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક દોડી આવ્યો હતો. મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે, પરિવારનો આક્ષેપ છે કે ભૂવાએ તેમની દીકરીને મારી નાખી છે. થોડા સમય પહેલા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પણ સુસાઇડ નોટ લખી હતી. જેમાં ભૂવો શારિરીક-માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પાછલા એક વર્ષ પહેલા યુવતી ભૂવાના સંપર્કમાં આવી હતી. જ્યાં ભૂવાએ કહ્યું હતું કે તારા પિતા પર કોઈએ મેલી વિદ્યા કરી દીધી છે તેનું મોત નિપજવાનું છે, મારી પાસે વિધિ કરાવ તો સારું થઇ જશે. જે બાદ યુવતી તેની સાથે રહેવા લાગી હતી. ભૂવાને બે-બે પત્ની છે, તેમ છતાં બીજી યુવતીને ફસાવી હોવાનો આક્ષેપ પિરવારજનો એ કર્યો હતો. પોલીસે ભૂવાને ગઈકાલે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
