ગાંધીનગરઃ ગુજરાતમાં નાગરિકો દ્વારા તેઓની સ્થાવર મિલકતની તબદિલીના વ્યવહારો માટે નિયત કરેલા દરે સ્ટેમ્પ ડ્યૂટી તથા નોંધણી ફી ભરપાઇ કરવાની રહે છે. હવેથી રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી માટે ઈ પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ ઈ પેમેન્ટ સુવિધા શું છે, તે અંગે આપણે વિગતે જાણકારી મેળવીએ…
સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર, ફ્રેકીંગ મશીન તથા ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ દ્વારા કરી શકાય છે. હાલની આ પદ્ધતિમાં (૧) નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર માટે પક્ષકારોએ લાયસન્સી સ્ટેમ્પ વેન્ડરનો સંપર્ક કરવાનો થાય છે. જેમાં નિયત ડીમેનેશનના (દા.ત.રૂ. ૫૦, ૧૦૦, ૫૦૦,૧૦૦૦ વિગેરે) સ્ટેમ્પ પેપર મળી શકે છે. (ર) ફ્રેન્કીંગ સ્ટેમ્પ માટે લાયસન્સ હોલ્ડર બેંકનો સંપર્ક કરવાનો થાય છે.(૩) ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ માટે પણ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર ઉપર રોકડ/બિન રોકડ (ચેક,ડી.ડી. નેટ બેકીંગ, RTGS, NEFT,Account Transfer વિગેરે ) લઇને રૂબરૂ જવાનું હોય છે. આ ત્રણેય પદ્ધતિઓમાં નિયત સ્થળ ઉપર કામકાજના નિયત સમય દરમિયાન જ સ્ટેમ્પ મળી શકે છે એમ સુપ્રિન્ટેન્ડેન્ટસ ઓફ સ્ટેમ્પની યાદીમાં જણાવાયું છે.
સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણીની ઉપરોક્ત પદ્ધતિઓ નાગરિકોને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નોંધણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી સરળતાથી ગમે તે સમયે/સ્થળેથી ઓનલાઇન (e-Payment મારફત) ચૂકવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા નોટીફીકેશનથી ઇ-પેમેન્ટ અંગેના નિયમો (The Gujarat State e-Payment of Stamp Duty Rules 2017) ધડવામાં આવ્યા છે. જે અન્વયે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણી અંગેની ઇ-પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દસ્તાવેજોમાં પક્ષકાર ઇ-પેમેન્ટ્થી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણી કરી દસ્તાવેજ નોંધણી સમયે ઇ-ચલન રજૂ કરે તો તે રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સ્વીકારવા તથા જરૂરી કાર્યવાહી કરવા તમામ સબ રજીસ્ટ્રારોને સુચના આપવામાં આવી છે તેમજ તમામ કલેક્ટરો, નોંધણી નિરીક્ષકો તથા નાયબ કલેક્ટરો, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રને પણ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
આ ઇ-પેમેન્ટ પદ્ધતિમાં નીચે મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની રહેશે.
1- પક્ષકારે garvi.gujarat.gov.in સાઇટ પર Public Data Entry લિંક પર જરૂરી વિગતો ભરીને પોતાનું લોગ-ઇન આઇ.ડી. બનાવવાનું રહેશે. 2- આ લોગ-ઇન આઇ.ડી.ની મદદથી લોગ-ઇન થઇને પક્ષકારે વેચાણ થતી મિલકતને લગતી જરૂરી વિગતો ભર્યેથી ઓનલાઇન ઇ-પેમેન્ટની નવી સુવિધાથી સ્ટેમ્પ ડ્યૂટી ઇન્ટરનેટ માધ્યમથી ઘેર બેઠાં પોતાની જાતે પોતાના અનુકૂળ સમયે ચૂકવી શકશે. 3- ઇ-પેમેન્ટથી સ્ટેમ્પ ડ્યૂટી ભર્યા અંગેના ઇ-ચલનની પ્રિન્ટ કાઢીને પક્ષકારે દસ્તાવેજની નોંધણી માટે સંબંધિત સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જવાનું રહેશે. 4- પક્ષકાર તરફથી રજૂ થતાં ઇ-ચલનનું સબ-રજિસ્ટ્રાર દ્વારા ઓનલાઇન વેરીફિકેશન કરવામાં આવશે તથા અન્ય કોઇ વ્યક્તિ ઇ-ચલનનો ફરી વાર દૂરુપયોગ ન કરી શકે તે માટે સબ-રજિસ્ટ્રાર ઇ-ચલનને ગરવી વેબ એપ્લિકેશન મારફતે તરત જ લોક કરી દેશે. |