ઈનોવેશન કાઉન્સિલ દ્વારા 27 એવોર્ડ એનાયત, યંગ ટેલેન્ટનું સન્માન

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ઈનોવેશન કાઉન્સિલના વાર્ષિકોત્સવમાં આ વખતે 27 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. દર વર્ષે ઈનોવેટીવ પ્રોજેક્ટોનું સન્માન કરીને તેઓને પ્રોત્સાહન પૂરૂં પાડવા યોજવામાં આવતા આ સમારોહમાં ચાલુ વર્ષથી પહેલીવાર નવોદિત સ્ટાર્ટ અપની અલગ કેટેગરી શરૂ કરવામાં આવી છે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું.

અમદાવાદના નરોડા સ્થિત પર્યાવરણ મંદિરમાં યોજાયેલા સમારંભમાં અમદાવાદ ઉપરાંત, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિતના રાજ્યના અનેક શહેરોની કૉલેજોના આશરે 300થી વધુ વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોથી ઓડિટોરીયમ છલોછલ ભરાઈ ગયું હતું. ડૉ. શેઠે આ પ્રસંગે જણાવ્યું હતું કે સુરત, રાજકોટ અને વડોદરામાં પ્રાદેશિક સ્ટાર્ટ અપ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા પછી આ વખતે ઈનોવેશન એવોર્ડમાં સક્રિય રસ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે કુલ 439 નામાંકન પ્રાપ્ત થયા હતા, જેમાંથી 27 પ્રોજેક્ટોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ એવોર્ડમાં અત્યાર સુધી ત્રણ કેટેગરી રાખવામાં આવતી હતીઃ ઈનોવેટ ટુ ઈમ્પેક્ટ, આઈ-સ્કેલ અને પીઆઈએ. તેમાં સૌથી વધુ 210 નામાંકન ઈનોવેટ ટુ ઈમ્પેક્ટ કેટેગરીમાં આવ્યા હતા.

સમાજની સમસ્યા હલ કરીને સકારાત્મક અસર નિપજાવી શકે એવા પ્રોજેક્ટને આ એવોર્ડ આપવામાં આવે છે. સ્ટાર્ટ અપની કેટેગરીમાં 104 નામાંકન આવ્યા હતા. સ્ટાર્ટ અપ અને ઈનોવેશન શરૂ કરવાની બાબતમાં જીટીયુ ભારતમાં પથદર્શક બન્યું છે. જીટીયુની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ તથા ઈનોવેશન પોલિસી ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) તરફથી સમગ્ર દેશભરની કૉલેજોમાં અમલી બનાવાઈ છે. ગુજરાત સરકારે પણ આ હેતુસર રાષ્ટ્રમાં સૌપ્રથમવાર વિશેષ નીતિ જાહેર કરીને ખાસ ભંડોળની સ્થાપના કરી છે. જીટીયુએ પહેલીવાર ફાર્મસી ક્ષેત્ર માટે ખાસ હેકાથોન યોજવાનો નિર્ધાર કર્યો છે.

આ પ્રસંગે ઈન્ફોસીસના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન એસ.ગોપાલક્રિષ્ણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. ગોપાલક્રિષ્ણને જણાવ્યું હતું કે વધુને વધુ નાણાં કમાઈ લેવા એ કંઈ સફળતા નથી. તમારા પ્રોજેક્ટથી સામાજિક દૃષ્ટિએ કેટલો ફાયદો થાય છે અને સમાજજીવન પર તેની કેટલી અસર નિપજાવી શકો તેના માપદંડ પર સફળતાનો બધો આધાર છે. ભારતમાં વપરાશ આધારિત વિકાસની જરૂર છે. આરોગ્યક્ષેત્રે ટેક્નોલોજીનો વધારે ઉપયોગ કરીને તે સેવાને કેવી રીતે બહેતર બનાવી શકીએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

વર્ષ 1995માં સંદેશાવ્યવહાર ક્ષેત્રની એક કંપની શરૂ થઈ હતી, તેને કંપનીની યુવાપેઢી ટેક્નોલોજીના ઉપયોગથી કેવી રીતે પ્રગતિના પંથે આગેકૂચ કરાવી તેનું ઉદાહરણ તેમણે આપ્યું હતું. સમાજમાં સંપત્તિ અને નોકરીની તકો ઊભી કરીને સમાજ પરિવર્તનની અસર નિપજાવવામાં ઉદ્યોગ સાહસિકતા કેવી ભૂમિકા ભજવી શકે તેની વિગતવાર સમજ તેમણે આપી હતી. મોટી કંપનીઓમાં રોજગારીની તકો સ્થિર હોય ત્યારે નવી નોકરીઓનું સર્જન કરવા નવા બિઝનેસ શરૂ કરવા એ જ બહેતર વિકલ્પ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં સ્ટાર્ટ અપ ઈન્ડિયાનો નારો આપ્યો હતો. હાલમાં દુનિયાની ચાર આઈટી કંપનીઓમાં ટોચના હોદ્દા પર ભારતીયો બિરાજમાન છે. ઉદ્યોગ સાહસિકતા માટે કોઈ ઉંમર હોતી નથી.   

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]