દ્વારકા: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો, જેમાં ગુજરાતના ત્રણ નાગરિકોનો સમાવેશ થાય છે, તેમનું મોત થયું હતું. આ ઘટનાએ દેશભરમાં રોષની લાગણી જગાવી છે. આ સંદર્ભે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ ગહન દુખ વ્યક્ત કરતાં આક્રોશ સાથે નિવેદન આપ્યું છે. તેમણે કેન્દ્ર સરકારને કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરી છે.
સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, “આતંકવાદીઓએ ધર્મનો આડંબર લઈને નિશ્ચિત ધર્મના લોકોને નિશાન બનાવી હત્યા કરી છે. આતંકવાદને ધર્મ સાથે જોડવો ખોટો છે. આતંકવાદીઓનું એકમાત્ર લક્ષ્ય હત્યા કરવાનું છે, જે ત્રેતાયુગમાં રાવણ અને દ્વાપરમાં કંસના રૂપમાં હતું. કલિયુગમાં આતંકવાદીઓ રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડી રહ્યા છે.” તેમણે હિન્દુઓને રાજનીતિથી ઉપર ઊઠીને એક થવા અને મુસ્લિમ સમુદાયને આતંકવાદ વિરુદ્ધ બોલીને ભારતીયતા સાબિત કરવા અપીલ કરી.
શંકરાચાર્યએ ભારતની ત્રણેય સેનાની શક્તિની પ્રશંસા કરતાં કહ્યું કે, “આપણી સેના એટલી સક્ષમ છે કે કોઈની યુદ્ધની હિંમત નથી. આવા હુમલાઓનો જવાબ આપણી એકતા છે.” તેમણે ઉમેર્યું કે સ્વતંત્ર ભારતમાં ધર્મ પાલનની સ્વતંત્રતા હોવી જોઈએ, અને કશ્મીરમાં આતંકવાદને રોકવા રાષ્ટ્રપતિ શાસન જરૂરી છે. આ નિવેદનથી ગુજરાત સહિત દેશભરમાં ચર્ચા જાગી છે.
