નશામાં ધૂત નબીરાએ 10 વાહનને લીધા અડફેટે..

સુરતમાં ફરી એક વખત તર્થ કાંડ જેવી દુર્ઘટના સામે આવી છે. ગતરાત્રીના બેફામ બનેલી ઓડીએ દસ ટુ વ્હીકલને હડફેટે લીધા હતા. સુરતના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ વાહન ચાલકોને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી.

ગત મોડી રાતે સુરતના આઇકોનિક રોડ પર બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ નબીરો લોકોથી બચવા વધુ સ્પીડે ગાડી ચલાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા કારનો પીછો કરતા નબીરો પકડાય ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફીલો આવી પહોંચ્યો હતો, અને કારના ડ્રાઈવરની અટકાયત કરી હતી. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક મહિના પહેલા 7 જૂનના રોજ મોડી રાત્રે સુરતના મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 7 લોકોને ઉડાડ્યા હતા, જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા તો પાંચને ઈજા પહોંચી હતી.