અમદાવાદ: ઘણા સમયથી અમદાવાદ શહેરમાં અસમાજિક તત્વો અને રોડ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. પોલીસ તંત્ર પણ આવા કેસ ન બને તે માટે ડ્રાઈવ ચલાવી રહી છે. જેથી કરી લુખ્ખા તત્વો પર લગામ લગાડી શકાય. આ વચ્ચે ફરી એક વખત અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક 24 માર્ચની મોડી રાત્રે એક કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જી 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું, જોકે કારચાલકે છરી બતાવીને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આપી હતી. આ દરમિયાન ક્રોધે ભરાયેલા સ્થાનિક લોકોના ટોળાએ કારચાલકને ધીબેડી નાખ્યો હતો. જોકે પોલીસે કારચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક એક થાર કારચાલકે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. તેણે 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ કાર રોકાઈ જતા લોકો તેને ઘેરી લીધો હતો. અકસ્માત સર્જાયા બાદ કારચાલકે છરી બતાવી લોકોને ડરાવ્યા અને મારામારી કરી હતી. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા સ્થાનિકો દ્વારા કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ કારચાલકે પોલીસને પણ ડરાવી હતી. પરંતુ બાદમાં પોલીસે કારચાલકને ઝડપી લીધો હતો. પોલીસે કારચાલક વિરૂદ્ધ મારામારી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
