ટ્રાફિક અને હેલ્મેટ મુદ્દે હાઇકોર્ટની નારાજગી

અમદાવાદના 20 અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં પોલિટેક્નિકથી IIM વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને એડવોકેટ સલીલ ઠાકોર મારફત જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. અરજદારોએ આ બ્રિજ નિર્માણને જ પડકાર ફેંક્યો હતો. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે જણાવ્યું હતું કે અગાઉની સુનાવણીમાં કોર્ટે ટૂ-વ્હીલરચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનો કડક અમલ કરાવવા ઓથોરિટીને નિર્દેશ આપ્યો હતો, પરંતુ કોર્ટને રસ્તા ઉપર ટૂ-વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા હોય એવું દેખાતું નથી. કાલ ઊઠીને તેઓ નવરાત્રિમાં હેલ્મેટ નહીં પહેરવાની છૂટ પણ માગશે!

કોર્ટે કહ્યું હતું કે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને જ નહીં, પરંતુ વર્તમાન બાબતોને લઈને પણ તજજ્ઞોનો અહેવાલ લેવામાં આવે. તજજ્ઞોની નિમણૂક કરવામાં આવે. એક મોનિટરિંગ કમિટીની રચના પણ કરવામાં આવે. ઓથોરિટી કેવા પ્રકારના તજજ્ઞોની કમિટી બનાવવામાં આવે એ એક વખત કોર્ટ સમક્ષ મૂકે, જરૂર પડે કોર્ટ સૂચનાઓ આપશે. કોર્ટ મિત્રે સૂચન કર્યું હતું કે શહેરમાં ફેઝ વાઇસ કામગીરી કરવામાં આવે, જેમ કે પહેલા એસટી હાઇવે ઉપર કામગીરી કરવામાં આવે, ત્યાર બાદ સી.જી. રોડ લેવામાં આવે. આમ કામગીરી સતત ચાલુ રાખવામાં આવે. કોર્ટે ટ્રાફિક વિભાગમાં મજૂર કરાયેલી અને ખાલી પડેલી જગ્યાઓની વિગતો પણ માગી હતી, સાથે જ કહ્યું હતું કે નવરાત્રિ પહેલાં ખરાબ થયેલા રસ્તાઓને રિસર્ફેસ કરવામાં આવે તેમજ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરાવવામાં આવે. આ મુદ્દે વધુ સુનાવણી 4 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે, જેથી કરીને નવરાત્રિ પહેલાં કેટલું કામ થયું એનું વિશ્લેષણ કરી શકાય.

સરકારી વકીલે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે વિચારવામાં આવી રહ્યું છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકને બે વખત દંડ કરવામાં આવશે. જ્યારે ત્રીજી વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનારનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. અરજદારે જણાવ્યું હતું કે વર્ષ 2021થી વર્ષ 2024 સુધીના સમાચાર અહેવાલો જણાવે છે કે ટ્રાફિકની સમસ્યામાં સુધારો થયો નથી. આ પ્રશ્નના નિરાકરણ માટે કોર્ટના નિર્દેશો જરૂરી છે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે હવે ટ્રાફિક જંક્શન ઉપર પોલીસ ઊભી હોય છે. કોર્ટે એ વાત સાથે સહમતી બતાવી નહોતી. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક જંક્શનના 50 મીટર વિસ્તારમાં પાર્કિંગ બદલ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે, જેથી કોર્ટે એડવોકેટ જનરલને પૂછ્યું હતું કે, શું તેમણે જાતે ફિલ્ડ પર જઈને જોયું છે? આ હકીકત નથી, કોઈ ફરક પડ્યો નથી. જોકે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે લોકો હવે સજાગ થઈ રહ્યા છે અને જ્યાં-ત્યાં પાર્કિંગ કરતાં પહેલાં વિચારે છે. આ અનધિકૃત પાર્કિંગ થયેલાં વાહનને ટો કરવામાં આવે છે.