PM-કેરમાં દાન આપ્યા છતાં માતાની સારવારમાં બેડ ના મળ્યો  

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસ રોગચાળાએ સેંકડો લોકોના જીવ લીધા છે. રાજ્યનું અમદાવાદ પણ કોરોના મામલે દેશના ટોચનાં શહેરોમાંનું એક છે. એપ્રિલથી મેના મધ્ય સુધીમાં અહીંની સ્થિતિ ત્રાહિમામ હતી. લોકોને હોસ્પિટલોમાં બેડ ન મળવાને લીધે કેટલાય લોકોના જીવ ગયા હતા. આવી સ્થિતિમાં એક શખસે પોતાની માને લઈને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકતો રહ્યો, પણ તેની માતાને ક્યાં પણ બેડ ન મળ્યો. તેનું દર્દ અને ગુસ્સો સોશિયલ મિડિયા પર બહાર આવ્યું. રોગચાળા દરમ્યાન તેણે પીએમ કેર ફંડમાં રૂ. અઢી લાખ દાન કર્યા હતા, પણ તેની માતાનું મોત સારવાર વગર થયું છે.

અમદાવાદમાં રહેતા વિજય પારેખે તેની માતાના નિધનથી દુખી થઈને ટ્વિટર અકાઉન્ટથી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે રૂ. 2.50ની દાન મારી મરતી માતા માટે બેડની વ્યવસ્થા ન કરી શક્યું. મારે કેટલું દાન આપવું પડશે?

વિજય પારેખે ટ્વીટ કર્યું હતું કે રૂ. 2.51 લાખનું દાન મારી માતાને માટે બેડ નથી અપાવી શક્યું કૃપયા સલાહ આપો કે મારે ત્રીજી  લહેરમાં બેડ રિઝર્વ કરવા માટે વધુ કેટલું દાન કરવું પડશે, જેથી હું વધુ મારા ઘરના સભ્યોને ગુમાવી ના દઉં.

દેશમાં પહેલી લહેર આવ્યા પછી જુલાઈ, 2020માં પારેખે રૂ. 2.51 લાખનું દાન કર્યું હતું. તેણે દાનનો સ્ક્રીનશોટ પણ તેણે પોસ્ટ માટે અટેચ કર્યો હતો. તેનું ટ્વીટ વાઇરલ થયું હતું અને એને 33,000થી વધુ લાઇક્સ મળ્યા છે. 13,000થી વધુ લોકોએ એને રિટ્વીટ કર્યું હતું અને 1000થી વધુ લોકોએ કોમેન્ટ કરી હતી.

અમદાવાદના રહેવાસી વિજયે આ ટ્વીટમાં પીએમઓ, રાજનાથ સિંહ, આરએસએસ અને સ્મૃતિ ઇરાનીને ટેગ કર્યા હતા.