અમદાવાદ: ગીર સોમનાથમાં થોડા દિવસો પહેલા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ ડિમોલિશનને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે ગુજરાત હાઈકર્ટમાં આ ડિમોલિશન મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદારે અરજીમાં કરેલા આક્ષેપ પર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. મેગા ડિમોલિશન મુદ્દે સરકારે HCમાં સરકારે કહ્યું કે, નિયમોમાં રહીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.
માહિતી અનુસાર સરકારે વધુમાં જણાવ્યું કે, મન ફાવે તેવા ડિમોલિશન નથી કરવામાં આવ્યા. નિયમોમાં રહીને જ કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર અને અરજદાર દ્વારા સામસામે કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ સરકારે જણાવ્યું કે, 2023થી આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી. આ મેગા ડિમોલિશન દરમિયાન સોમનાથમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર, રેન્જ આઇજી તથા જંગી પોલીસ કાફલો ઉપરાંત અન્ય વિભાગોના અધિકારીઓ, સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ડિમોલીશન દરમિયાન પાંચ કિમીના વિસ્તારમાં અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. મહત્વનું કહી શકાય કે, પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 9 મસ્જિદ તથા 45 પાકા મકાનોને તોડી પાડીને 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સાથે જ દબાણ હટાવવાના ઓપરેશન દરમિયાન લોકોના ટોળા એકત્ર થઇ જતાં પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.