ઈડરઃ આમ તો તમે અત્યાર સુધી મોડલો અને ડાન્સરોની સ્પર્ધા જોઇ હશે કે જે મ્યુઝીક સાથે કેટવોક અને સુંદર શરીરના લટકા ઝટકા કરીને મન મોહી લેતી હશે પરંતુ સાબરકાંઠાના ઇડર તાલુકાના કેશરપુરા ગામે રૂપલ ઘોડીના અનોખા ૩૬ માં જન્મ દિવસની ઉજવણીએ અનોખી સ્પર્ધા યોજાઇ હતી, જેમા મ્યુઝીકના તાલે ઘોડા ઘોડી પગના તાલ મીલાવીને અને શરીરના લટકાથી જોનારાઓનુ મન મોહી લે છે.
રેમ્પ ઉપર કે સ્ટેજ પર પર્ફોર્મ કરતી મોડેલો અને ડાન્સરોના લટકા ઝટકા જોઇને મન મોહીત થઇ જતુ હશે પણ સાબરકાંઠામાં એક અનોખી સ્પર્ધા યોજાય છે જેમાં ઘોડી અને ઘોડા પોતાના નૃત્ય વડે જોનારાઓનુ મન મોહી લે છે. સાબરકાંઠાના ઇડર તાલુકાના કેશરપુરા ગામે અનોખી સ્પર્ધા યોજાય છે જેમાં ભાગ લે છે ઘોડા અને ઘોડી. આ ઘોડા-ઘોડી નૃત્ય કરવામાં માહીર છે અને તેની અદાઓ જોઇને જોનારા પણ દંગ રહી જાય છે. ગુજરાતમાં કચ્છ અને કાઠીયાવાડ ઉપરાંત મહારાષ્ટ્રથી અહી ઘોડા ઘોડીની નૃત્ય સ્પર્ધામાં ભાગ લેવા આવી પહોંચે છે અને પગના તાલ મ્યુઝીક સાથે મિલાવીને શરીરની લચકથી ઘોડા અને ઘોડી જાણે કે મન મોહી લેતા હોય છે.
આ અંગે ઈડરના હસનપુરા ગામના સ્પર્ધામાં ભાગ લેનાર ઇમામખાને જણાવ્યું હતું કે હુ વર્ષ ૨૦૦૫ થી ભાગ લેવા માટે આવુ છું, અને મારી પાસે પંજાબી ઘોડી છે અને જે ખૂબજ પ્રચલિત છે, અહી તેના કરતબ કરીને ભાગ લઉં છું.
આમ તો આ સ્પર્ધાની શરુઆત ૨૦૦૫ થી અહીંયાના સ્થાનિક રશિદ સાલેજીએ કરી હતી. પોતાની પ્રખ્યાત ઘોડી રુપલના જન્મદીન નિમિત્તે તેઓ ખાસ પ્રકારે ઉજાણી ઘોડા ઘોડીઓની નૃત્ય સ્પર્ધા યોજીને કરે છે. રુપલ ઘોડીને હાલ ૩૫ વર્ષની વય છે અને તેના માટે લાગણીના ભાગ રુપે અહી સ્પર્ધા યોજવામાં આવે છે અને જેમાં અનેક ઘોડીઓ અને ઘોડાઓ લઇને માલીકો ભાગ લેવા આવી પહોંચે છે અને જેમાં અવનવા કરતબ સાથે વિજેતા ઘોડીઓને ટ્રોફી પણ એનાયત કરવામાં આવે છે. ઘોડીઓના સંગીતના તાલ સાથે નૃત્ય કરે છે તો લોકોનુ અભીવાદન કરીને બે પગે ચાલીને અને ઉભા રહીને કરે ત્યારે જાણે કે જોનારાઓ પણ દંગ રહી જતા હોય છે અને જે ઘોડી લાંબો સંમય બે પગે ઉભી રહી ચાલે એ ઘોડીની કિંમત પણ ઉંચી અંકાઇ જતી હોય છે.
આ અંગે ઈડરના કેશરપુરા ગામની ૩૫ વર્ષીય ઘોડી રૂપલના ૩૬મા જન્મ દિવસની અનોખી ઉજવણી કરનાર આયોજક રશીદ સાલેજીએ જણાવ્યું હતું કે મારી પાસે રુપલ નામની ઘોડી છે અને અત્યારે મારી પાસે તેના સીવાય કુલ ૩૫ ઘોડીઓ છે અને રૂપલના જન્મદિને અહી સ્પર્ધા યોજવામાં આવે છે અને જેમાં ભાગ લેવા માટે કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ મહારાષ્ટ્રથી પણ ઘોડા અને ઘોડી લઇને લોકો આવી પહોંચે છે. તમામને પ્રોત્સાહન રૂપે ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપીએ છે અને તમામમાંથી પહેલા, બીજા અને ત્રીજા નંબરને વિશિષ્ટ ટ્રોફી આપવામાં આવે છે.
આમ તો આપણે લગ્ન પ્રસંગે ઘોડાના નૃત્યો જોયા છે પરંતુ તે માત્ર એક અથવા બે જ પ્રકારના હોય છે. પરંતુ અહીંયા તો એક સાથે અનેક ઘોડા-ઘોડીઓએ જે અદભૂત અને મનમોહક નૃત્યો કર્યા તેને જોઈને સહુકોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા.