સુરત: સચિન GIDC વિસ્તારમાં ગેરકાયદે ગેર રિફિલિંગને કારણે ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે. 12 ફેબ્રુઆરી બુધવારના રોજ રામેશ્વર કોલોની નજીક યોગેશ્વરનગર સોસાયટીમાં આવેલી એક દુકાનમાં ગેસ રિફિલિંગનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક વૃદ્ધ મહિલાનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે માહિતી મળતા સચિન GIDC પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સચિન GIDC વિસ્તારની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે શ્રમજીવી પરિવારો વસે છે. મોંઘવારી અને દસ્તાવેજોના અભાવે તેઓ કાયદેસર ગેસ કનેકશન મેળવી શકતા નથી અને તેનો લાભ ગેરકાયદે ગેસ રિફિલિંગ માફિયા ઉઠાવે છે. સચિન GIDC વિસ્તારમાં રામેશ્વર કોલોની નજીક યોગેશ્વરનગર સોસાયટીમાં આવેલી ભાડાની એક દુકાનમાં ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું. એ સમયે ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે, સિલિન્ડર બ્લાસ્ટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. બ્લાસ્ટ થતા સીસીટીવી જોઇને અંદાજો લગાવી શકાય છે કે, બ્લાસ્ટ કેટલો ભયંકર હતો. સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાનો મહિલા ભોગ બની છે. બ્લાસ્ટ દરમિયાન 50 વર્ષીય ભૂરી યાદવ નામની મહિલાનું પતરાથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું છે. મૃતક મૂળ બિહારના ચિત્રકૂટ ખાતે આવેલા શિવરામપુરાની વતની હતા. મહિલા સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતી હતી.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)