અમદાવાદ – પોરબંદર સહિત ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારોનાં રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે કે વાવાઝોડા ‘વાયુ’એ એની દિશા બદલી નાખી છે. તેથી ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો રહ્યો નથી. વાવાઝોડું સૌરાષ્ટ્ર સમુદ્રકાંઠાના વિસ્તારો પર જમીન પર નહીં ત્રાટકે. એ ઝડપથી પશ્ચિમ તરફ આગળ વધી જશે. આવો દાવો હવામાનનો વરતારો કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ તેમજ ભારતીય હવામાન વિભાગ, બંને દ્વારા કરવામાં આવ્યો છે.
સ્કાયમેટનો દાવો છે કે વાવાઝોડું ‘વાયુ’ પોરબંદર સમુદ્રકાંઠાની બાજુમાંથી પસાર થઈ જશે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના મનોરમા મોહંતીએ કહ્યું છે કે, ચક્રવાતી વાવાઝોડા ‘વાયુ’એ એની દિશા ગઈ કાલે રાતે જ બદલી નાખી હતી. ગુજરાતના વેરાવળના સમુદ્રકાંઠાથી એ લગભગ 150 કિ.મી. દૂર હતું ત્યારે જ વાવાઝોડાએ એની દિશા બદલી નાખી હતી અને તે ઓમાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે કેટેગરી-2માંથી કેટેગરી-1માં બદલાઈ શકે છે. વાવાઝોડું હવે ગુજરાતના સમુદ્રકાંઠાથી દૂર થયું છે. એ હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર નહીં ત્રાટકે, પરંતુ દરિયો તોફાની રહેશે અને કાંઠાળ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
મનોરમા મોહંતીએ કહ્યું છે કે વાવાઝોડું ગુજરાત નહીં ટકરાય. એ વેરાવળ, પોરબંદર, દ્વારકાની બાજુમાંથી પસાર થઈ જશે. તે છતાં કાંઠાળ વિસ્તારોમાં એની અસર રહેશે, કારણ વાવાઝોડું પસાર થશે ત્યારે પવનની ગતિ ભારે રહેશે અને વરસાદ પણ જોરમાં રહેશે.
આમ છતાં ગુજરાત સરકારે સાવચેતીનાં તમામ પગલાં લીધાં છે. વાવાઝોડું ગુજરાતના સમુદ્રકાંઠા પરથી પસાર થશે ત્યારે પવન ભારે ગતિથી ફૂંકાશે. ગુજરાત રાજ્યના તમામ બંદરો પર 9 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સંભવિત અસરગ્રસ્ત કાંઠાળ વિસ્તારોમાંથી 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઈને ગુજરાતના 10 જિલ્લાઓમાં એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. અગાઉ એવી આગાહી હતી કે, વાવાઝોડું આજે બપોરના સમયમાં ગુજરાતના સમુદ્રકાંઠા પર ત્રાટકી શકે છે. તે ત્રાટક્યા બાદ વિસ્તારો પર 24 કલાક સુધી એની અસર રહે એવી ધારણા છે.
દરમિયાન, વાવાઝોડા ‘વાયુ’ને કારણે મહારાષ્ટ્રમાં પણ કાંઠાળ વિસ્તારોમાં તંત્ર સાબદું થઈ ગયું છે. કોકણ પટ્ટાવિસ્તારમાં તમામ દરિયાકિનારાઓ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં લોકોને જવા દેવામાં આવતા નથી.