ક્રાઇમ બ્રાન્ચે લક્ઝુરિયસ કારની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ પકડી

 અમદાવાદઃ શહેર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાંથી 500થી વધુ કારની ચોરી કરનાર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, એમ અધિકારીએ કહ્યું હતું.  આ આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી છે. આ ચોરટોળકીની ટેકનોલોજીના દુરુપયોગની રીતભાત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઉત્તર પ્રદેશના મેરઠના વતની અશરફ સુલતાન તેમ જ રાંચીના ઇરફાન ઉર્ફે પિન્ટુની ધરપકડ કરી છે. અશરફ સુલતાન અગાઉ દિલ્હીમાં ફોરવ્હીલર ગાડીઓની ચોરીમાં ઝડપાઈ પણ ચૂક્યો છે. આરોપીઓએ યુપી, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળના સાગરીતો સાથે મળીને ગેંગ બનાવી હતી. જેમાં પ્રીમિયમ ગાડીઓનો સુરક્ષા કોડ ડીકોડ કરી ગેંગ દ્વારા 500 જેટલી ગાડીઓ ચોરી કરવામાં આવી હતી. આરોપીઓ લક્ઝુરિયસ ગાડીઓના કોડ લેપટોપ દ્વારા બદલીને જે તે કાર ચોરી કરતા અને ચોરી કરનાર વ્યક્તિને રૂ. 50,000 આપતા હતા. ગાડી ચોરી કર્યા બાદ તેનો ચેસીસ નંબર તેમ જ એન્જિન નંબર બદલીને અન્ય રાજ્યમાં કાર વેચવામાં આવતી હતી.

આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિત અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાં RTO સાથે સાઠગાંઠ કરી NOC મેળવી ગાડીઓનું પાસિંગ કરાવવામાં આવતું હતું.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 ગાડીઓ કબજે કરી એમાંથી એક ગાડીની યુપીમાં તેમ જ નવ ગાડીઓની દિલ્હી શહેરમાં ચોરી થવા અંગે FIR નોંધાયેલી છે. બંને આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી લક્ઝુરિયસ કાર ચોરી કરતા હતા અને લાખો રૂપિયા મેળવતા હતા. બંને ઝડપાયેલા આરોપીઓને દિલ્હી પોલીસ ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરશે.