ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં પાંચ આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ ક્રાઇમ બ્રાંચે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કેસમાં CEO ચિરાગ રાજપૂત, માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ-અલગ સ્થળેથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે ફરાર પાંચ મેડિકલ માફિયાઓ પકડી પાડ્યા છે. આ કાંડમાં હજુ સુધી કુલ 9 આરોપીઓ પોલીસ ફરિયાદમાં નોંધાયા છે. જેમાંથી છ આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે ત્રણ લોકો હજી વોન્ટેડ છે. ત્યારે હજી એક આરોપી વિદેશમાં છે.

આ આરોપીઓ મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાયા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી, જેમાં ચિરાગ રાજપૂત ખેડાથી જ્યારે અન્ય બે ઉદયપુરથી ઝડપાયા છે.

કેસનું સતત મોનિટરિંગ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે.. આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોણે મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ કેસમાં હજી પણ ત્રણ આરોપીઓ ભૂગર્ભમાં હોવાથી હજી તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ ફરિયાદમાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ તમામ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે. હાલ આરોપીને કડકમાં કડક સજા આપવા પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે. કોઇ પણ છટકબારી ન રહે તેને લઇ બંને વિભાગો કામગીરી કરી રહ્યા છે.