માસ્કની માંગને પહોંચી વળવાનો પડકાર ઉઠાવતા સખી મંડળો

રાજકોટ: કોરાના મહામારીને કારણે આજે માસ્કનું મહત્વ વધતા તેના ઉપયોગમાં ઘણો મોટો વધારો થયો છે. જેને કારણે માસ્કની અછત વર્તાઇ રહી છે. તેવા સંજોગોમાં રાજકોટ જિલ્લાના જુદા જુદા સખી મંડળોએ માસ્કની માંગને પૂરી કરવા હામ ભીડી છે અને માસ્કનું ઉત્પાદન શરૂ કર્યુ છે. ત્યારે સરકારે માસ્કને ફરજિયાત બનાવી દેવાતા તેની માંગમાં ઘણો વધારો થયેલો જોવા મળે છે. એવા સંજોગોમાં માસ્કની જરૂરિયાતને પહોચી વળવાનું બીડુ રાજકોટ જિલ્લા લાઇવલીહુડના માર્ગદર્શન તળે સખી મંડળની બહેનો દ્વારા ઉપાડી લેવામાં આવ્યુ છે અને મોટા પ્રમાણમાં બહેનો ઘરે બેસીને સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને માસ્ક બનાવવાની કામગીરી કરી રહી છે. આમ, સખી મંડળની બહેનો દ્વારા લોકડાઉનમા લોકોને કોરોના સામે રક્ષણ આપતા માસ્ક બનાવી રોજગારી સાથે સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લાની સખી મંડળો ૩૫ હજાર માસ્ક બનાવી ચૂકયા છે અને હજુ ૧૫ હજાર માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા લાઇવલી હુડના આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર સરોજબેન મારડિયા કહે છે કે, રાજકોટ જિલ્લામાં અમને કુલ ૫૦ હજાર માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જે પૈકી આરોગ્ય વિભાગે ૧૦ હજાર, પોલીસ કમિશનરની કચેરીએ ૭ હજાર, રાજકોટ મહાનગરપાલિકાએ ૧૬ હજાર, ખાનગી હોસ્પિટલોએ એક હજાર માસ્ક બનાવાનો ઓર્ડર આપ્યો હતો. તેઓને અમે માસ્ક બનાવીને આપી દીધા છે. જયારે ગ્રામ પંચાયત દ્વારા ૧૫ હજાર માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરના માસ્ક બની રહ્યા છે. વ્યકિતગત રીતે મળેલ ઓર્ડર મુજબ પણ અમારી બહેનો માસ્ક બનાવી આપે છે. આમ સખી મંડળની બહેનોના કારણે માસ્કની જરૂરિયાતને પહોચી વળાય છે.
સરોજબેને વધુમાં જણાવ્યુ હતું કે આ માસ્ક રૂ. ૧૨ થી ૧૭ ના ભાવે વેચાણ થાય છે. જેમાં રૂ. ૪ જેટલો નફો પ્રાપ્ત થાય છે અને માસ્ક બનાવવાની રૂ.૪ ની મજૂરી પણ આ સખી મંડળની બહેનોને તેમની કામગીરી સામે ચૂકવવામાં આવે છે. બાકીના પૈસા કાપડ અને રબર ખરીદીમાં જાય છે.

રાજકોટ જિલ્લા લાઇવલી હુડ મેનેજર વિરેન્દ્ર બસિયા જણાવે છે કે, રાજકોટ જિલ્લાના ૧૭ સખી મંડળો દ્વારા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ધોરાજી વડગામડાના સખી મંડળ, જામકંડોરણાના એકતા મહિલા મંડળ, ઢોલરાના હરિ મિશન મંગલમ, લોધિકાના અનોખુ મિશન મંગલમ, કાંગસિયાળીનું ગાયત્રી સખી મંડળ, પાનેલીના નારી સખી મંડળ વગેરેનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લાના લોધિકામાં ચાલતા અનોખા સખી મંડળના સભ્ય મુકતાબેન રૈયાણી કહે છે કે, હુ અને મારી સાથેના ભાવનાબેન ડાંગ અમે બંનેએ મળીને ૫૦૦૦ માસ્ક બનાવવાનું કામ કામ કર્યુ છે. જે પૈકી અમે સખી મંડળના ૧૮૦૦, તાલુકા પંચાયતના ૧૫૦૦, રાશન કાર્ડની દુકાનના ૧૦૦, ગ્રામ પંચાયતના ૧૮૦૦ માસ્ક બનાવ્યા છે. અમને શરૂઆતમાં માસ્કનું કામ અપાયુ ત્યારે માસ્ક બનાવવા ફાવતા ન હતા, મુશ્કેલ લાગતું હતું. પરંતુ હવે હાથ બેસી ગયો છે. ઘરે જ કોટનના માસ્ક બનાવીએ છીએ. હજુ પણ અમારા દ્વારા માસ્ક બનાવવામાં આવી રહયા છે. આમ અમને ઘરે બેઠા રોજી રોટી મળી રહી છે અને કોરોના મહામારીમાં લડવા ઉપયોગી સાધન બનાવી રહયાનો અમને સંતોષ છે.