અમદાવાદઃ અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમ્યાન ખરીદી માટે બજારમાં લોકોની ઊમટેલી ભીડ હવે કોરોના વાઈરસ બીમારીના ઢગલાબંધ કેસોમાં પરિવર્તિત થઈ રહી છે. શહેરમાં સતત ત્રીજા દિવસે 200થી વધુ કેસ નોંધાયા હતા. ગઈ કાલે 145 દિવસ પછી કોરોનાના સૌથી વધુ 234 કેસો નોંધાયા હતા. છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં કોરોના કેસોની બાબતમાં વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સોશિયલ મિડિયામાં આ અંગેના સમાચારો વાઇરલ થતાં અમદાવાદીઓ આજે ઘરમાં ભરાઈ રહ્યા છે. જેથી શહેરમાં જનતા કરફ્યૂ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.
કેસ વધતાં હોસ્પિટલો પણ ફુલ
શહેરમાં કેસ વધતાં હોસ્પિટલો પણ ભરાવા માંડી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો ઝડપથી પેક થઈ રહી છે. એએમસીના જણાવ્યા અનુસાર હાલ 91 ટકા બેડ પેક છે અને હજી દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ગઈ કાલ સાંજ સુધીમાં શહેરની હોસ્પિટલોના 875 આઇસોલેશન બેડમાંથી 840 દર્દીઓ, 366 આઇસીયુ બેડસમાંથી 90 ટકા તેમ જ 175 આઇસીયુ વેન્ટિલેટર બેડમાંથી 90 ટકા બેડ ફુલ થઈ ગયા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવતાં નવા વોર્ડ ખોલવા પડ્યા અને બેડની સંખ્યા વધારવી પડી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાંથી 625 બેડ ફુલ થઈ ગયા હતા અને ગંભીર દર્દીઓની સંખ્યા 174 હતી. સોલા સિવિડલમાં 450માંથી 280 બેડ ફુલ થયા છે અને વેન્ટિલેટર પર તમામ 50 બેડ હાલ ફુલ છે. જો હવે દર્દીઓ વધશે તો અહીં પણ બેડ્સની સંખ્યા વધારવામાં આવશે.
38 ડૉક્ટર,100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટરોને કોરોના થયો છે તો 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા છે. શહેરમાં કોરોના વિસ્ફોટના ડરના કારણે અમદાવાદ સહિતના શહેરમાં રસ્તાઓ અને બજારોમાં લોકોની અવર જવર ઓછી થઈ ગઈ છે. ર છેલ્લા બે દિવસથી ટ્રાફિકમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવે શહેરમાં સંક્રમણનો ડર એટલી હદે વધ્યો છે કે લોકોમાં જ સ્વયંભૂ જનતા કરફ્યૂની અસર દેખાઈ રહી છે.
કોરોનાની બીજી લહેર
રાજ્યમાં કોરોનાના સંક્રમણની બીજી લહેર હોવાનો મત અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પ્રભાકરે આપ્યો હતો. દિવાળી તહેવારોમાં મોટા ભાગના વિસ્તારોમાં લોકો બેદરકાર બની માસ્ક તેમ જ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા હતા. બાપુનગર, ત્રણ દરવાજા સહિતનાં બજારોમાં ખરીદી કરવામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા હતા, જેના કારણે હવે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.