ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જાહેરાતની સાથે જ આચારસંહિતા પણ લાગૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ભાજપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે, લોકસભા ચૂંટણીને અનુલક્ષી ગુજરાતમાં આચારસંહિતા અમલમાં છે, તેમ છતાં છેલ્લાં બે દિવસથી એટલે કે, 17 અને 18 માર્ચ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ્થાને ભાજપ સંસદીય દળની બેઠક ચાલી રહી છે. આચારસંહિતા હોવા છતાં મુખ્યપ્રધાનના મકાનમાં રાજકિય પ્રવૃતિ કેવી રીતે થઈ શકે? આ આચારસંહિતાનો ભંગ છે.પંચે તપાસના આદેશ આપ્યાં છે ત્યારે મહત્વનું છે કે, હજુ આવતીકાલે પણ આ બેઠક ચાલુ રહેશે ત્યારે હવે આ મામલે ચૂંટણી પંચ કેવા પગલાં લેશે તે જોવું રહ્યું.
આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરીને માગ કરી છે કે, આ મામલે ઈલેક્શન કમિશન તટસ્થતાથી કાર્યવાહી કરે તેવી અપેક્ષા રાખીએ છીએ.
ગઈકાલથી સળંગ ત્રણ દિવસ સુધી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરુ થઈ ગઈ છે. ભાજપે આ બેઠક માટે કોબા સ્થિત પ્રદેશ કાર્યલાય- કમલમ્ને બદલે મુખ્યપ્રધાન નિવાસના સરકારી બંગલા નંબર 29 ઉપર પસંદગી ઉતારતા વિવાદ શરુ થયો છે. ચૂંટણી જાહેર થયાં પછી સરકારી પદાધિકારી હોય કે રાજકીય નેતા સરકારી મિલકતોનો રાજકીય ઉપયોગ કરી શકતા નથી.
પાર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસની બેઠક બાદ 20મી માર્ચે ગુજરાતના ટોચના નેતાઓ ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકોની પેનલ તૈયાર કરીને નવી દિલ્હી જશે. ત્યારબાદ માર્ચના અંત સુધીમાં ગુજરાતના ઉમેદવારોની જાહેરાત કરશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007થી તમામ ચૂંટણીમાં આચારસંહિતાના અમલ દરમિયાન ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ અડાલજ સ્થિત શાંતિ નિકેતનમાં મળ્યું છે. કરોડોના ખર્ચે કોબામાં તૈયાર કમલમ્ કાર્યાલયે પણ આ બેઠક થઈ શકે તેમ હતી. તેમ છતાં મુખ્યપ્રધાન નિવાસ સ્થાને બેઠક યોજાતા કાર્યકરોમાં કંઈક ગરબડ હોવાની શંકા વધુ મજબૂત થઈ છે.
મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ.મુરલી ક્રિષ્નાએ આદર્શ આચાર સંહિતા સંદર્ભે પરિપત્ર જાહેર કર્યો છે. જેના પાના નંબર ૪માં મુદ્દા નંબર ૮માં કોઈ પણ પક્ષ કે ઉમેદવારો સરકારી રહેણાંક આવાસ તો દૂર પણ તેના આંગણાનો ઉપયોગ પ્રચાર, કચેરી કે ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહીં.