જય રણછોડના નારા સાથે લાખો શ્રદ્ધાળુઓ, સંઘોની ડાકોર ભણી પદયાત્રા

અમદાવાદ– હોળી-ધૂળેટી આવે એટલે રંગોત્સવની સાથે પગપાળા સંઘ પણ દેખાય. ડાકોરના રાજા રણછોડના ધામ તરફ જવાના માર્ગો પર અસંખ્ય ધોળી ધજાઓ જોવા મળે. ગુજરાતના અનેક ગામડાં, નાનામોટાં શહેરમાંથી મોટી સંખ્યામાં સંઘ સ્વરુપે કે પરિવાર સાથે પગપાળા લોકો ડાકોરના રણછોડરાયના દર્શને પહોંચી જાય છે.

પગપાળા જતા સંઘોને જુદા જુદા ધર્મના જાતિના લોકો આવકારે છે., પાણીભોજન સાથે અનેક સુવિધાઓ પણ પૂરી પાડે છે. અમદાવાદની કડવા પોળ, દરિયાપુર વિસ્તારમાંથી છેલ્લા 48 વર્ષ કરતાં વધારે સમયથી ડાકોર યાત્રાધામે પગપાળા સંઘ નિકળે છે. શ્રી રણછોડરાય સેવા સંઘ, કડવા પોળથી નિકળતા આ પગપાળા સંઘમાં બાવન ગજની ધજાઓ સાથે અનેક નાનીમોટી ધજાઓ સાથે અસંખ્ય પદયાત્રીઓ જોડાયાં હતાં.

17માર્ચ રવિવારે શ્રી રણછોડજીની ધજા, લક્ષીજીની ધજાની પધરામણી, ભજન-કીર્તન જેવા અનેક ભક્તિ રસના કાર્યક્રમો યોજાયાં હતાં. હોળી નજીક આવતા જ ડાકોર તરફ જતાં તમામ માર્ગો પર ભજન-કીર્તન કરતાં, ધોળી ધજાઓ લહેરાવતા અને ગુલાબ ઉડાડતા અને સંઘો, પદયાત્રીઓ, શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યાં છે.

તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ