ગુજરાતમાં કોલ્ડવેવની અસર, નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન

રાજ્યમાં ઠંડીની નરમ ગરમ સિઝન વચ્ચે આખરે નલિયા સહિત ગુજરાતમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ જોવા મળી રહ્યું છે. કચ્છમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન જ્યારે ભુજમાં 10.6, કંડલામાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 9.3 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, પોરબંદરમાં 10.5 ડિગ્રી અને ભાવનગરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે, અમદાવાદમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થતા લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. અમદાવાદમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે.

સામાન્ય રીતે  શિયાળામાં નલિયા અને ડીસામાં સૌથી ઓછું તાપમાન નોંધાતું હોય છે. પરંતુ ચાલુ સિઝનમાં નલિયા અને ડીસા ઉપરાંત રાજકોટ અને અમરેલીમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે સરકી રહ્યો છે. આજે પણ અમરેલી જિલ્લામાં 9.8 ડિગ્રી જ્યારે રાજકોટમાં 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો છે જેમાં અમદાવાદ શહેરમાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો .જ્યાં 17 ડિસેમ્બરની રાત્રે અમદાવાદ શહેરમાં સિઝનનું સૌથી ઓછું 11.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે ગત રાત્રે તેમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી 14.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 9.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આફત મંડરાઈ રહી છે એટલે કે અત્યંત ઠંડીનું જોર યથાવત્ રહેશે. આ સાથે જ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હાલની સ્થિતિ કરતાં પણ એકથી દોઢ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આગામી ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે અથવા તો એકાદ ડિગ્રી સેલ્સિયસ વધારો નોંધાઈ શકે છે.