કચ્છ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છ જિલ્લામાં તાજેતરમાં થયેલા વરસાદને પગલે નિવારણ પામેલી અછતની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી અને કચ્છને અછતમુકત જિલ્લો જાહેર કર્યો. મુખ્યપ્રધાને ૧૨૧ ચેકડેમો બનાવવા બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘‘મનરેગા’’ યોજના અન્વયે ચાલુ વર્ષે આ ૧૨૧ ચેકડેમો બનાવાયા છે. જે તમામ આ વર્ષના વરસાદથી ભરાઇ ગયાં છે.
મુખ્યપ્રધાને બેઠકમાં જણાવ્યું હતું કે, કચ્છની જનતાની લાગણી સાથે જોડાયેલા હમીરસર તળાવ અને રૂદ્રમાતા ડેમને નર્મદાનીરથી ભરવા અંગે રાજ્યસરકાર વિચારી રહી છે. આ ઉપરાંત મુખ્યપ્રધાને સ્થાનિક સ્તરે જ ઘાસચારો ઉગાડવા, વરસાદના પાણીની મહત્તમ જળસંચય કરવા તથા ઘાસચારાના ઉત્પાદનથી વધારાની રોજગારી તથા આવકનું સર્જન કરવા પર વિશેષ ભાર મૂકયો હતો. સપ્ટેમ્બર માસમાં કચ્છ જિલ્લાને નર્મદાનું વધારાનું વહી જતું પાણી પુરું પાડવાની પણ વાત આ બેઠકમાં કરવામાં આવી હતી.
ગાંધીધામ તાલુકાના શીણાય ડેમને નર્મદા નીરનું જોડાણ આપવા અંગે તેમણે આ બેઠકમાં અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ સાથે પરામર્શ કર્યો હતો અને ડેમનું વધારાનું પાણી છોડવાથી કેટલા ગામો લાભાન્વિત થાય અને કેટલા ચેકડેમો ભરાઇ શકે, તે અંગે અધિકારીઓ પાસેથી તારણ મેળવ્યું હતું. વેસ્ટ વોટરને આધુનિક પધ્ધતિથી ફિલ્ટર કરી ઘાસચારો ઉગાડી કચ્છના પશુધનને પુરતી માત્રામાં ઘાસચારો પુરો પાડવા અધિકારીઓને સૂચનો કર્યા હતાં.
મુખ્યપ્રધાને અછત અંગેની પરિસ્થિતિ, તેનું નિવારણ તથા અછતની પરિસ્થિતિમાં કરવાની થતી કામગીરીના આયોજન અંગેની પુસ્તિકાનું વિમોચન કર્યુ હતું તથા ‘‘DP KUTCH E Learning’’ અને District ct Panchayat Kutch’’ નામની બે મોબાઇલ એપનું લોન્ચિંગ પણ કર્યુ હતું.
નર્મદા ડેમથી ખુણે ખુણે પાણી પહોંચાડવા સરકાર કટિબધ્ધ
સતત દુષ્કાળનો સામનો કરી રહેલા કચ્છ જિલ્લામાં આ વર્ષે મેઘમહેર થતાં સાર્વત્રિક વરસાદ બાદ ભુજ સ્વામિ નારાયણ મંદિર દ્વારા આયોજિત મેઘલાડુ મહોત્સવ પ્રસંગે મુખ્યપ્રધાને કચ્છીઓની ખુમારીને યાદ કરી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં નર્મદા ડેમથી પીવા અને સિંચાઇના પાણીને ખુણે ખુણે સુધી પહોંચાડવા માટે સરકાર કટીબદ્ધ હોવાનું જણાવી કચ્છમાં પણ નર્મદાના કામો ઝડપથી પૂર્ણ કરવા અગ્રીમતાથી કામ કરી રહી હોવાનું કહ્યું હતું.
મુખ્યપ્રધાને સ્પષ્ટપણે કહ્યું કે કચ્છમાં વારંવાર દુકાળનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કચ્છમાં ઘાસની તંગી ન થાય અને ઘાસને બહારના જિલ્લાઓમાંથી ન મંગાવવું પડે તે માટે કચ્છના તમામ 10 તાલુકાના ૫ ગામોના ક્લસ્ટર બનાવીને ગૌચરની જમીનમાં ઘાસ ઉગાડવા માટે નવી યોજના બનાવી છે જેને વ્યાપક સ્વરૂપ આપવા અને આ માટે ફંડીંગ ફાળવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
મુખ્યપ્રધાને આ તકે એવી જાહેરાત કરી હતી કે, અત્યાર સુધી કચ્છ જિલ્લામાં અછત અંગેની તમામ સબસિડી જુન-૨૦૧૯ સુધીની જ આપવામાં આવતી હતી, જે હવેથી ૩૧ જુલાઇ-૨૦૧૯ સુધી આપવામાં આવશે.