અમદાવાદ- આગામી જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. ત્યારે તેની તૈયારીઓ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન મોદી અને રૂપાણી વચ્ચે આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વાયબ્રન્ટ સમિટ, LRD પેપર લીક અને જસદણની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદી સાથે યોજાનારી આ બેઠકમાં વિજય રૂપાણીની સાથે રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથ, અગ્ર સચિવ એમ.કે.દાસ, ઊદ્યોગ કમિશનર મમતા વર્મા અને ઇન્ડેક્ષ્ટ-બીના એમ.ડી. રાજકુમાર બેનિવાલ પણ જોડાયા હતાં.
આ બેઠક અંગે વાત કરતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, ‘ રાજ્યમાં જાન્યુઆરીમાં નવમી વખત વાયબ્રન્ટ સમિટ યોજાવવા જઇ રહી છે. જેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સારી મદદ મળી રહી છે. વાયબ્રન્ટ સમિટ અંગેની પીએમ મોદી સાથે વિસ્તારમાં ચર્ચા થઇ. 100થી વધુ દેશોમાંથી ડેલિગેશન આવી રહ્યાં છે. આ વખતે આપણે આફ્રિકા ડે ઉજવી રહ્યાં છે. ગુજરાતમાંથી આફ્રિકામાં એક્સપોર્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ વધારવાનાં પ્રયત્નો થવાનાં છે. આ ઉપરાંત નાના ઉદ્યોગકારોને પણ વધુ સારી તક મળે તે માટે આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. ‘આ ઉપરાંત તેમણે શોપિંગ ફેસ્ટિવલ અંગે વાત કરતા જણાવ્યું કે, ‘ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સહકારથી ‘વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ ‘નું અનોખું આયોજન કરાયું છે. અમદાવાદમાં 16 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં અમદાવાદનાં બધા નાના મોટા ટ્રેડર ભાગ લેશે.’
વધુમાં જણાવ્યું કે, ‘ વાયબ્રન્ટ સમિટમાં 30 હજારથી વધારે ડેલિગેટ્સ ભાગ લેવાનાં છે. ઉપરાંત 12થી વધુ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવવાનાં છે.’
કાર્યક્રમનાં ઉદ્ધાટન અંગે વાત કરતા જણાવ્યું કે, ‘અમે આજે વડાપ્રધાન મોદીને આ કાર્યક્રમનું ઉદ્ધાટન કરે તેવું આમંત્રણ આપ્યું છે. દુનિયાભરનાં જે રાષ્ટ્રપતિ, પ્રધાનો આવી રહ્યાં છે તેમની સાથે પણ તેઓ મિટિંગ કરશે.’