અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અમદાવાદ ખાતે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ હેકાથોન 2018નો આજે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને સમર ઇનોવેશન ચેલેન્જિંસ 2018ના વિજેતા યુવાન વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું કે રાજ્યનો હોનહાર યુવાન પોતાના બુદ્ધિ કૌશલ્ય અને જ્ઞાન સમૃદ્ધતાથી રાજ્યમાં જ ઇનોવેશન કરે તેવી શ્રેષ્ઠ સ્થિતિ નિર્માણ કરવી છે. મુખ્યપ્રધાને સૌ સુખી તો આપણે સુખીનો ધ્યેય પાર પાડવા ઉદ્યોગ જગતની સમસ્યા અને યુવાનોના ટેક્નોલોજીકલ સોલ્યુશનનો સમનવ્ય સાધવાની પણ નેમ દર્શાવી હતી.
સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ મામલે ગુજરાતના મુખ્યપ્રધાને જણાવ્યું કે ભારતમાં ટેક્નોલોજી ઈનોવેશન નથી એવું મહેણું ભાગીને યુવા શક્તિના સથવારે પરિવર્તન લાવવા સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલિસી અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપનો વ્યાપક અમલ કર્યો છે.
મુખ્યપ્રધાને જણાવ્યું કે અગાઉની સરકારોએ થાગડ થિગડ ઉપાયો કર્યા અને યુવાનોને યોગ્ય દિશાન મળી અને બેકારી વધી. નરેન્દ્ર ભાઈના નેતૃત્વની આ સરકારે બેકારી કાયમી દૂર કરવાના પરિણામલક્ષી આયોજનો સાથે યુવા શક્તિને ટેક્નોલોજી સાથે જોડીને તક આપી અને જોબ સિકરથી જોબ ગિવર બનાવ્યા છે.