અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટની નિરીક્ષણ મુલાકાત આજે લીધી હતી. આ ઇસ્ટ વેસ્ટ કોરિડોરનો 6.50 કી.મીનો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યો છે.તેમણે આ મુલાકાત બાદ જણાવ્યું કે આ કામગીરી અમદાવાદ શહેરના ખૂબ જૂના વિસ્તારમાં થઇ રહી હોવાથી જૂના મકાનો ઇમારતો તેમ જ નાગરિકોની મિલ્કતને નુકસાન ન થાય અને નાગરિક જનજીવનને ઓછામાં ઓછી તકલીફ પડે કોઇ દુવિધા ન પડે તે રીતે કામગીરી હાથ ધરવા મેટ્રો પ્રોજેક્ટના સત્તાવાહકોને સૂચના આપી છે.જાન્યુઆરી 2019 માં મેટ્રો રેલની પ્રથમ પ્રાયોરિટી રિચ શરૂ કરવાની દિશામાં ઝડપભેર કામગીરી મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાઈ રહી છે.આ રૂટ પર 32 સ્ટેશનો આવશે. 2019 ડિસેમ્બર સુધીમાં મેટ્રોના કામને ફૂલ સ્પીડમાં આગળ ધપાવવાની મેટ્રો પ્રોજેક્ટની તૈયારીઓ વિશે પણ જાણકારી મેળવી હતી. 10,700 કરોડના આ પ્રોજેક્ટમાં 6 હજાર કરોડની જાયકાની લૉન છે.10 જેટલા રક્ષિત સ્મારકો આ રુટમાં આવે છે તેની પણ જાળવણી સાથે આ પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્રની મંજૂરીઓ મળી ગઈ છે. ભવિષ્યમાં કાલુપુર રેલવે સ્ટેશન મલ્ટિપર્પઝ ઉપયોગમાં આવશે અને થ્રી લેયર ટ્રાન્સપોર્ટ અહીં ઉપલબ્ધ બનશે. જેમાં મેટ્રો ટ્રેન રેલવેની જનરલ ટ્રેન અને બુલેટ ટ્રેન ત્રણેય માટે આ સ્ટેશનનો ઉપયોગ નાગરિકો મુસાફરો કરી શકશે.