ગાંધીનગર: CM વિજય રૂપાણી રવિવાર, તા.11 ઓગષ્ટ એટલે કે આજથી ત્રણ દિવસ રશિયાના પ્રવાસે છે. ભારત સરકારના વાણિજય અને ઊદ્યોગ મંત્રાલય દ્વારા રશિયાના વાલ્ડીવોસ્ટોક-Vladivostokનો આ પ્રવાસ રશિયા-ભારત વચ્ચે વેપાર ઊદ્યોગ જોડાણ અને સહભાગીતાના પ્રોત્સાહન સંબંધોના હેતુસર યોજવામાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજય અને ઊદ્યોગ મંત્રી પિયુષ ગોયલની આગેવાનીમાં રશિયા પ્રવાસે જનારા આ પ્રતિનિધિ મંડળમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવેલો છે. ગુજરાતના મુખ્યપ્રધાન ઉપરાંત ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગોવા રાજયોના મુખ્યપ્રધાનઓ પણ આ પ્રવાસમાં જોડાશે.
નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના રશિયા પ્રવાસ દરમિયાન રશિયન પ્રેસિડેન્ટ પુતિન સાથે તેમણે સાઇબેરિયામાં ઇન્ડિયા-રશિયાના વેપાર-ઊદ્યોગ જોડાણ માટે જે મંત્રણાઓ કરી હતી તે સંદર્ભમાં આ પ્રવાસ મહત્વપૂર્ણ બનવાનો છે. ભારતીય પ્રતિનિધિ મંડળના આ પ્રવાસના પ્રથમ દિવસે ભારતીય ડેલિગેશન સાથે રશિયાના ડેપ્યુટી પ્રાઇમીનીસ્ટર અને રશિયન ફાર ઇર્સ્ટન ફેડરલ ડીસ્ટ્રીકટના પ્રેસિડેન્શિયલ એન્વોય યુરી તૂર્તનેવ-Yuri Trutnev વચ્ચે દ્રિપક્ષીય સંબંધોની વિકાસ સંભાવનાઓ અંગે બેઠક યોજાવાની છે.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી સેકટરના બે એમ.ઓ.યુ. પણ આ પ્રવાસ દરમિયાન સાઇન થશે. આ એમ.ઓ.યુ. અન્વયે રશિયાના યુકુટીયા રિજિયન-Yakutia Region અને ગુજરાત વચ્ચે સોર્સીસ ઓફ રફ ડાયમન્ડ માટેનો એમ.ઓ.યુ. થવાનો છે. રશિયન ફેડરેશના પ્રિર્મોસ્કી ક્રી – Primorsky Krai પ્રાંત અને ગુજરાત વચ્ચે થનાર એમ.ઓ.યુ. અંતર્ગત ગુજરાતના હિરા ઊદ્યોગ સંચાલકો દ્વારા પ્રિર્મોસ્કી ક્રી પ્રાંતમાં ડાયમન્ડ કટીંગ એન્ડ પ્રોસેસીંગ યુનિટની સ્થાપના માટેના એમ.ઓ.યુ. થશે.
ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે રશિયાના ડાયમન્ડ, ટીમ્બર, ઓઇલ એન્ડ ગેસ, એગ્રીકલ્ચર-ફૂડ પ્રોસીસીંગ, પ્રવાસન અને હેલ્થકેર તથા ફાર્મા સેકટરના વેપાર ઊદ્યોગ સંચાલકો-અધિકારીઓના સેકટરલ સેસન્સ પણ યોજવામાં આવ્યા છે. આ પ્રવાસ દરમ્યાન B2B અને G2B મિટિંગ્સ પણ યોજાવાની છે. ભારતીય પ્રતિનિધિ મંડળના આ રશિયન પ્રવાસમાં ડાયમન્ડ, ટીમ્બર,પેટ્રોલિયમ, ફાર્મા સેકટર સહિતના ઊદ્યોગોના ગુજરાતના 28 જેટલા પ્રતિનિધિઓ પણ જોડાશે. મુખ્યપ્રધાનના અગ્રસચિવશ્રી મનોજકુમાર દાસ, ઊદ્યોગ કમિશ્નર મમતા વર્મા તથા મુખ્યપ્રધાનના ઓ.એસ.ડી. ડી.એચ.શાહ પણ મુખ્યપ્રધાન સાથે આ પ્રવાસમાં સાથે રહેશે. મુખ્યપ્રધાન 13 ઓગસ્ટે સાંજે ગુજરાત પરત આવશે.