રાજકોટ: CM રૂપાણીએ રાજકોટને જનસુખાકારીના રૂ. ૫૦૪ કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આ જંગી રકમના કામોનું તેમણે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આ વેળાએ જણાવ્યું કે, આધુનિક સુવિધાયુક્ત શહેરો એ જનસુખાકારીની પારાશીશી છે. આજના યુગમાં શહેરી વિકાસ અને જનસુખાકારીની સુવિધાઓ જ જનતાની ખુશહાલીનું માધ્યમ છે. શહેરો એ આપણા સમાજના ચેતના કેન્દ્રો છે.
અહીના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર યોજાયેલી જાહેરસભાને સંબોધન કરતા રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત સરકારની સર્વાંગી વિકાસની નેમના લીધે આજે રાજકોટ સહિતના 8 મહાનગરોનો પણ વિકાસ ટોપ સ્પીડે દોડી રહ્યો છે. ગ્લોબલ ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટે આવતા ૧૦ વર્ષમાં દુનિયામાં સૌથી વધુ ઝડપે વિકાસ પામનારા ૧૦ શહેરોમાં ગુજરાતના રાજકોટ અને સુરત શહેર સામેલ કર્યાં છે. સમગ્ર રાજકોટવાસીઓ માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે.
રૈયા બ્રિજ લોકાર્પણ પ્રંસગે રૂપાણીએ બ્રિજની મુલાકાત લીધી હતી, તેમણે સ્થળ પર રીબીન કાપી બ્રિજને ખુલ્લો મુક્યો હતો. આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકા, શહેરી વિકાસ સત્તા મંડળ, રાજકોટ શહેર પોલીસ તેમજ સિવિલ હોસ્પિટલના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત રિમોટ કંટ્રોલ દ્વારા કર્યું હતું. તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરવામાં આવી હતી. અનુસૂચિત વિભાગ દ્વારા લાભાર્થીઓને ચેક અર્પણ તેમજ ટ્રાફિક બ્રિગેડના નવનિયુક્ત વોર્ડનને એનાયત પત્ર પાઠવવામાં આવ્યા હતાં.
રૂપાણીએ રૈયા ચોકડી બ્રિજ લોકાર્પણ બાદ સ્થળ પરથી પોલીસ જવાનો માટે ક્રેન તેમજ મહાનગર પાલિકાના ડમ્પરને ફ્લેગઓફ કરી લોકાર્પિત કર્યા હતાં.
રાજ્યમાં વધતા જતા શહેરીકરણ અને આર્થિક સમૃદ્ધિ – ઉદ્યોગ – વેપારના વ્યાપને કારણે વાહનોની સંખ્યા વધતી જાય છે. તેથી વાહન યાતાયાતમાં સરળતા રહે, ટ્રાફિક જામના પ્રશ્નો ઊભા ન થાય એ માટે આ વર્ષના બજેટમાં મહત્વની જોગવાઇ કરી છે. આઠ મહાનગરપાલિકા વિસ્તારોમાં ૫૪ અને નગરપાલિકા વિસ્તારોમાં ૨૧ એમ કુલ ૭૫ ફ્લાયઓવર બનવા છે. ૮ ફ્લાયઓવર તો એકલા રાજકોટમાં બનવાના છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યના શહેરી વિસ્તારમાં એક લાખથી વધારે એવરેજ ટ્રેઇન વ્હીકલ યુનિટ ધરાવતા તમામ ૩૭ રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રિજ અથવા અન્ડરબ્રિજ બનાવવાનું કામ વર્ષ ૨૦૧૯-૨૦માં શરૂ કરી દેવામાં આવશે. ત્રણ વર્ષમાં કુલ રૂ. ૭૫૦ કરોડથી વધુ ખર્ચ થશે. શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ એક મોટી પહેલ રાજ્ય સરકારે લીધી છે. રાજકોટ સહિતની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં વધુ ટ્રાફિક ધરાવતા તમામ રેલ્વે ફાટકો પર ઓવરબ્રિજ અથવા અન્ડરબ્રિજ બની જશે. ગુજરાત આખું ફાટકમુક્ત ગુજરાત બનશે.
રાજકોટમાં અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૨,૫૦૦ આવાસ બની ગયા છે. આવનારા બે વર્ષમાં રાજકોટ રૂ. ૧૦૬૪ કરોડના બીજા ૧૫,૦૦૦ આવાસનું નિર્માણ થશે. ગુજરાતની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તથા સ્થાનિક સત્તામંડળોમાં ૭ લાખ, ૬૪ હજાર પરિવારોને આવાસ આપવાનું આ સંવેદનશીલ સરકારે આયોજન ઘડ્યું છે. અત્યાર સુધીમાં ૩ લાખ, ૮૭ હજાર આવાસ મંજૂર કરી દીધા છે.
રાજકોટને સરકારે નવું એરપોર્ટ, બસપોર્ટ, એમઇમ્સ, નવી જનાના હોસ્પિટલ, ટીપી સ્કિમ, પૂરતુ પાણી સહિતની સુવિધા આપી છે. રાજકોટના વિધાયકોએ રાજકોટના વિકાસની સતત ખેવના કરી છે.