CM ભૂપેન્દ્ર પટેલનો 61મો જન્મદિનઃ રાષ્ટ્રપતિ, PMએ આપી શુભેચ્છાઓ

અમદાવાદઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧મા જન્મદિવસ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ તેમને શુભેચ્છાઓ પાઠવીને સ્વસ્થ તંદુરસ્ત જીવનની શુભ- કામનાઓ આપી હતી. રાજ્યની જનતા જનાર્દનની સેવામાં  ભૂપેન્દ્ર પટેલ સતત કાર્યરત રહે તેવી  શુભેચ્છાઓ પણ રાષ્ટ્રપતિએ પાઠવી હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલે પણ તેમને શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસે તેમના મત વિસ્તાર ઘાટલોડિયામાં અનેકવિધ સેવાકાર્યેા હાથ ધરવામાં આવવાના છે, જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ, દર્દીના સગાઓ માટેના અન્નક્ષેત્રમાં મીઠાઈ વિતરણ, સત્તાધાર સોલા ઓવરબ્રિજ નીચે વૃક્ષારોપણ, આંગણવાડીમાં બાળકોને રમકડાં વિતરણ, સફાઈ કામદારોનું સન્માન, બહુચરાજી મંદિરે ગરબા, સોલા ભાગવત મંદિરે પૂજન–અર્ચન તેમજ ઈસ્કોન મંદિરે મહાઆરતી અને સૌધામ મંદિર થલતેજમાં દરિદ્રનારાયણોને ભોજન વિતરણ તેમ જ મહાઆરતી સહિતના સેવાકાર્યેાનો સમાવેશ થાય છે. 

મુખ્ય પ્રધાને  જન્મદિનના અવસરે ત્રિમંદિરના દર્શનના ફોટો શેર કરતાં કહ્યું હતું કે આજે મારા જન્મદિવસના અવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુ માની સમાધિના દર્શન કર્યા. ભગવાન સમક્ષ આત્માની ઉન્નતિ ઉપરાંત જગત કલ્યાણના ભાવ સાથે ગુજરાતના સુખ, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની પ્રાર્થના કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનને તેમના જન્મદિનની શુભેચ્છાઓ ટ્વીટ કરીને આપી હતી. મુખ્ય પ્રધાને પણ ટ્વીટ કરીને વડા પ્રધાનનો આભાર માન્યો હતો.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ મુખ્ય પ્રધાનને જન્મદિનની શુભકામનો ટ્વીટ કરીને આપી હતી.મ કેન્દ્રીય ગૃહ પ્રધાને ગુજરાતના સર્વગ્રાહી વિકાસને વડા પ્રધાનના માર્ગદર્શનમાં નવાં સીમા ચિહનો પાર કરાવવામાં મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના કર્તવ્યભાવની સરાહના કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજી એ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ અવસરે હ્રદયપૂર્વકની શુભકામના પાઠવી છે.