ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રંમિત થયા છે. જોકે તેમને કોરોનાનાં હળવાં લક્ષણો જણાતાં હોવાથી તેઓ હોમ આઇસોલેટ થયા છે. તેથી આ વખતે રથયાત્રામાં વર્ષો જૂની પરંપરા તૂટી એવી શક્યતા છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહિંદ વિધિથી શરૂ થતી હોય છે. આ પહિંદ વિધિ રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવતી હોય છે, પણ હવે મુખ્યપ્રધાન કોરોનાગ્રસ્ત થયા છે અને રથયાત્રાને નીકળવામાં માંડ બે દિવસ રહ્યા છે. જેથી આ વખતે સૌપ્રથમ વાર પરંપરા તૂટે તેવા સંજોગો ઊભા થયા છે.મુખ્ય પ્રધાને કોરોના થતાં કેબિનેટ અને અન્ય કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ રથયાત્રાની સમીક્ષા બેઠકમાં પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે કોરોનાના 475 કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. એ પછી સુરત અને વડોદરામાં કોરોનાના કેસો નોંધાયા હતા. ગળવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 248 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં મંગળવાર સુધીમાં કુલ 2793 સક્રિય કેસ હતા. હવે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે કોરોનાના કેસોમાં ફરી એક વાર વધારો થવાની દહેશત છે.