ક્લાયમેટ ચેન્જઃ અમદાવાદમાં કાળઝાળ ગરમી તો મોરબીમાં માવઠું

અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જામગનર, મોરબી અને અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. ગાજવીજ અને પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી છે. ખાસ કરીને, મોરબીમાં જોરદાર વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જેને કારણે નુકસાની અહેવાલો પણ સામે આવ્યા છે. ભારે પવન ફૂંકાવાથી ઘણી જગ્યાએ પતરાં ઊડી ગયાં છે અને હોર્ડિંગ્સ પણ પવનમાં ઊડ્યાં છે. ભારે પવન ફૂંકાવાની સાથે કરાં સાથે ધોધમાર વરસાદની પણ પડ્યો છે. મોરબીમાં જોરદાર વાવાઝોડું ફૂંકાયું છે. મોરબી, ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનથી વૃક્ષો, હોર્ડિંગ અને નળિયાં પતરાં ઊડ્યાં છે.

અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમી પણ પડી રહી છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે.રાજ્યમાં વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદનું અનુમાન છે. આ સાથે વીજળી અને ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ડાંગ, મહીસાગર અને દાહોદ તથા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. આજે થંડરસ્ટોર્મ થવાનું પણ પૂર્વાનુમાન છે.