અમદાવાદઃ અક્ષય તૃતીયાના શુભ ભાજપ દ્વારા રાજ્યનાં 24 મોટાં મંદિરોમાં મહાસફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વડા પ્રધાન મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કુવરજી બાવળિયા સાથે રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરમાંથી સફાઈ કરી સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત સુરતમાં પણ પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
રાજ્ય સરકારના મંત્રીઓ રાજ્યનાં વિવિધ તીર્થસ્થાનો પર સફાઈ ઝુંબેશમાં જોડાયા છે. વિવિધ ધર્મસ્થાનો પર પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. 15થી વધુ ધર્મસ્થળો પર વિવિધ મંત્રી હાજર રહી સફાઈ કરાવશે.
મુખ્ય મંત્રી સફાઈ ઝુંબેશ શરૂ કરાવ્યા પછી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ત્યાર બાદ તેઓ લોકસભા ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લામાં બેઠક કરશે. એ પછી તેઓ સાંજે સૌરાષ્ટ્ર-તમિળ સંગમ અંતર્ગત તમિળના ડેલિગેશનની મુલાકાત લેશે.
ભાજપ દ્વારા સુરતમાં પણ અંબિકા નિકેતન મંદિરથી સવારે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યભરનાં 23 જેટલાં ધાર્મિક સ્થળોની આસપાસ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સુરતમાં અંબિકા નિકેતનમાં પ્રદેશાધ્યક્ષની હાજરીમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં હર્ષ સંઘવી દ્વારા મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ હાથમાં ગ્લવ્ઝ પહેરી અને સાવરણાથી મંદિર પરિસરની સફાઈ કરી હતી. આ મંદિર સફાઈ ઝુંબેશમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ સહિત ભાજપના કોર્પોરેટરો અને શહેર સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા.