ચારુસેટ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ ગવર્નર આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત

અમદાવાદઃ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી – ચારૂસેટ, ચાંગા ખાતે નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને દિક્ષાંત પ્રવચન આપ્યુ હતું. તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષા અને જ્ઞાન થકી જ વિશ્વમાં એકતા અને સમાનતા લાવી શકાશે. તેઓએ પદવીધારક વિદ્યાર્થીઓએ ઉદેશ્યતા કહ્યું હતું કે યુનિવર્સિટીનું કામ વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક બનાવવાનું છે અને આ કૌશલ્યો થકી તેઓએ સચોટ અને સ્પષ્ટ વિચારધારા થકી સમાજ અને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં જોડાવું જોઈએ. આગળ વધતા તેઓએ વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કે જયારે તમને શિક્ષા થકી વિશેષ સન્માન અને ઉપલબ્ધી મળેલી છે ત્યારે સમાજ પ્રત્યેની તમારી જવાબદારી પણ વિશેષ બની રહે છે.

તેઓએ માતૃસંસ્થા, કેળવણી મંડળ, અને ચારૂસેટના સમાજ પ્રત્યેના સેવાભાવ અને સદ્ભાવના થકી  સમાજ ઉત્થાનના કાર્યને બિરદાવ્યું હતું. કેરળના હાલના રાજ્યપાલ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આરીફ મોહમ્મદ ખાન એક સફળ અને લોકપ્રિય રાજનેતા તરીક  ભારતની રાજનીતિમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ એક લોકનેતા તરીકે શિક્ષણ, દહેજ વિરોધી કાનૂન, શારીરિક રીતે વિકલાંગ લોકોના ઉત્થાન, મુસ્લિમ સમાજનાં વિકાસ અને પ્રગતિ વગેરે ક્ષેત્રે અનન્ય ફાળો આપેલ છે.

આ પ્રસંગે અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહી વિખ્યાત અમેરિકન લેખક જ્યોર્જ મસરે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજીવન વિદ્યાર્થી બની રહો, સતત શીખતાં રહો, નવું સંશોધન કરતા રહો, અને એકબીજાના સહકારમાં કાર્ય કરી વૈશ્વિક મુદ્દાઓનો ઉકેલ લાવો. વધુમાં તેઓએ વિદ્યાર્થીઓને ફિજીક્સ, કોસ્મોલોજી, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે જેવા ગૂઢ અને મહત્વના વિષયો પર વધુ અભ્યાસ અને સંશોધન કરવા માટે પ્રેર્યાં હતા.

ડો. જ્યોર્જ મસર સાયન્સ વિષયક લેખન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક છે. સાયન્સ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેઓને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ અને અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવેલ છે. તેઓના પુસ્તકો ‘સ્પૂકી એક્શન એટ અ ડિસ્ટન્સ’ અને ‘ધ કમ્પ્લીટ ઈડિયટ્સ ગાઈડ ટૂ સ્ટ્રીંગ થિયરી’ વિજ્ઞાન જગતમાં લોકપ્રિય થયેલ છે. હાલમાં તેઓ વિશ્વ પ્રસિદ્ધ અમેરિકન સાયન્સ મેગેઝીન ‘સાયન્ટિફિક અમેરિકન’ ના એડિટર તરીકે સેવા આપી રહ્યા છે.