દ્વારકા: એક બાજું ગુજરાતમાં ગણેશ વિસર્જનની ધૂમ ચાલી રહી છે. ત્યાં બીજી બાજું રાજ્યના દરિયાકાંઠેથી નશીલા પદાર્થોની હેરાફેરીમાં વધારો થતો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ઘણાં દિવસોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી માદક પદાર્થોનો જથ્થો મળી આવે છે. ત્યારે બેટ દ્વારકામાં પૂર્વ કાંઠા વિસ્તારના દરિયા કિનારેથી ચરસના 2 પેકેટો મળી આવ્યા હતા. ચરસના આ જથ્થાની કિંમત અંદાજે 93.30 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકાના દરિયા કાંઠે સોમવારે (16મી સપ્ટેમ્બર) શંકાસ્પદ પેકેટ પડ્યા હોવાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં આ પેકેટમાં હાઈ ક્વોલિટીનું ચરસ હોવાનું જાહેર થયું છે. તેનું વજન 866 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બેટ દ્વારકા પોલીસે એનડીપીએસ ઍક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેંતરો અપનાવ્યો છે. જેમાં ઇન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે. જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગ્સ માફિયાના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.