રાજ્યમાં દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસનો આંકડો વધી રહ્યો છે. ત્યારે બીજી બાજું ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાયરસથી થનારા મૃત્યુઆંક 48 સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે ગત સપ્તાહ 19 જુલાઈના રોજ ચાંદીપુરાથી થનારા મૃત્યુનો આંક 20 હતો. ત્યારે એક સપ્તાહમાં શંકાસ્પદ વાયરસનાથી મૃત્યુઆંક બમણો થઈ ચૂક્યો છે.
ચાંદીપુરા વાયરસને લઈ મળતી માહિતી અનુસાર હાલ રાજ્યમાં ચાંદપુરા વાયરસના શંકાસ્પદ કેસની સંખ્યા 127 સુધી પહોંચી છે. જેમાં પંચમહાલના 15, સાબરકાંઠામાં 12, અમદાવાદ કોર્પોરેશનના 12, અરવલ્લી-મહેસાણાના 7, ગાંધીનગર ગ્રામ્ય-ખેડા-જામનગર-વડોદરાના 6, રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-બનાસકાંઠાના 5, રાજકોટ કોર્પોરેશનના 4, ગાંધીનગર કોર્પોરેશન-દાહોદ-કચ્છ-ભરૂચના 3, મહીસાગર-છોટા ઉદેપુર-નર્મદા-વડોદરા કોર્પોરેશન-સુરત કોર્પોરેશનના 2, ભાવનગર-દેવભૂમિ દ્વારકા-અમદાવાદ ગ્રામ્ય-જામનગરના 1 કેસનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 39 કેસ છે. જ્યારે અન્ય બાળદર્દીઓના રીપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. સાબરકાંઠામાંથી સૌથી વઘુ 6 દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાના 127 કેસ પૈકી પંચમહાલમાંથી 6, અમદાવાદ કોર્પોરેશનમાંથી પાંચના મૃત્યુ થયેલા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 42 દર્દી દાખલ છે અને 37ને રજા અપાઇ છે.
તો બીજી બાજું ચાંદીપુરાના વકરતા કેસો સામે તંત્ર પણ હરકતમાં આવી છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર તેમજ તેની આસપાસના વિસ્તારના ઘરોમાં મળીને કુલ 42,637 ઘરમાં સર્વેલન્સની કામગીરી જ્યારે કુલ 5.45 લાખથી વઘુ ઘરમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું હોવાનો દાવો કરાયો છે. અમદાવાદ શહેરમાં અત્યારસુધી ચાંદીપુરાના 3 કેસ નોંધાયા છે. જેમાં દક્ષિણ ઝોનના બે અને પશ્ચિમ ઝોન 1 કેસનો સમાવેશ થાય છે. 11 માંથી 3 પોઝિટિવ અને 8 નેગેટિવ આવ્યા છે.