ચાંદીપુરાનો વધ્યો કહેર, 100 પાર પહોંચ્યો શંકાસ્પદનો આંકડો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. રાજ્યમાં મંગળવારના રોજ ચાંદીપુરાના 14 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસનો આંકડો વધીને 100 પાર પહોંચી ગયો છે. અહીં રાહતના સમાચાર એ છે કે હાલ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસમાં કોઈ વધારો નોંધાયો નથી. અત્યાર સુધીમાં ચાંદીપુર વાયરસના 22 પોઝિટીવ કેસ નોંધવામાં આવ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન અને ગાંધીનગર ગ્રામ્યમાંથી 1-1 બાળદર્દીના મૃત્યુ થયા છે. આ બંને બાળદર્દી ચાંદીપુરાના શંકાસ્પદ કેસના છે. આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરાથી મરણાંક વધીને 38 થયો છે.

 આરોગ્ય મંત્રાલય પાસેથી મળતી માહિતી અનુસાર વાયરલ એન્કેફેલાઈટીસના પંચમહાલમાં સૌથી વધુ 14, સાબકાંઠામાં 10, અમદાવાદ કોર્પોરેશનમાં 9, અરવલ્લી-ખેડા- મહેસાણા-ગાંધીનગર ગ્રામ્યમાં 6, જામનગર- મોરબી-બનાસકાંઠામાં 5, રાજકોટ ગ્રામ્યમાં 4, ગાંધીનગર કોર્પોરેશન-સુરેન્દ્રનગરમાં 3, છોટાઉદેપુર-દાહોદ-નર્મદા-વડોદરા કોર્પોરેશન-રાજકોટ કોર્પોરેશનમાં 2 જ્યારે ભાવનગર ગ્રામ્ય-દેવભૂમિ દ્વારકા-કચ્છ-દેવભૂમિદ્વારકા-સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. ચાંદીપુરાના પોઝિટિવ કેસનો આંક 22 છે. જેમાં સાબરકાંઠા-પંચમહાલમાં સૌથી વધુ 3, મહેસાણા-અરવલ્લીમાં 2 જ્યારે મહીસાગર-ખેડા-સુરેન્દ્રનગર-અમદાવાદ કોર્પોરેશન-ગાંધીનગર ગ્રામ્ય-જામનગર- મોરબી-દાહોદ-વડોદરા-બનાસકાંઠામાં પણ કેસ મળી આવ્યો છે. ચાંદીપુરાથી સૌથી વધુ પંચમહાલમાં પાંચ જ્યારે અમદાવાદમાં ચારના મૃત્યુ થયા છે.

 

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સોમવારે મોડી રાતે બનાસકાંઠાની 10 વર્ષીય બાળકીને જ્યારે મંગળવારે દહેગામની બે વર્ષીય બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણોને આધારે દાખલ કરાઇ હતી. આ ઉપરાંત લાંભાના બે માસના બાળકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેને એલજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આ બાળકોના રીપોર્ટ ગાંધીનગરમાં મોકલાયા છે. આ ઉપરાંત ચાંદીપુરા પોઝિટિવ એક દર્દી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.