અમદાવાદઃ વર્ષ ૨૦૨૧ના પ્રારંભે જ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં આગામી ત્રણ દિવસમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દ્વારા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે.મધ્ય ગુજરાતમાં ભરૂચમાં જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વતાવરણ સર્જાયું છે. જિલ્લાભરમાં ત્રણ દિવસના કોલ્ડવેવ બાદ વાદળછાયું વતાવરણ સર્જાયું છે. તંત્ર દ્વારા ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના વેપારીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે એવી હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. આ માવઠાની સંભાવનાઓને લઈ અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર વિભાગને એલર્ટ કરવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી વિભાગ, પુરવઠા વિભાગ અને સંલગ્ન તંત્ર દ્વારા જરૂરી તકેદારી માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માવઠાથી ખેડૂતોના જાનમાલને કોઇ પણ પ્રકારનું નુકસાન ન થાય એ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં વરસાદની આગાહીથી જગતનો તાત ચિંતિત બન્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું હતું. હિંમતનગરમાં ધુમ્મસ જેવું ધૂંધળું વાતવરણ સર્જાયું છે.