છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ઉપરા ઉપરી વિવિધ શહેરોમાં સ્ટેટ જીએસટીની સાથો-સાથ સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા કરવામાં આવે છે. ત્યારે આજે સેન્ટ્રલ જીએસટીની ટીમે રાજકોટના બિલ્ડરો દરોડા પાડ્યા છે. પ્રાઇડ અને ધ વન વર્લ્ડ ગ્રુપ પર દરોડા પાડયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હાલ બન્ને બિલ્ડર ગ્રુપના તમામ પ્રોજેક્ટ પર તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાઈડ ગ્રુપની સાથે આઈકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ પર સેન્ટ્રલ જીએસટીની ટીમ ત્રાટકી ખૂબ મોટા પ્રમાણમાં GST ચોરી સામે આવવાની શક્યતા છે. ડિજિટલ ડેટા હસ્તગત કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ GST એન્ડ કસ્ટમ્સના એડિશનલ જોઇન્ટ કમિશનર તપાસમાં જોડાયા છે. બે દિવસ પૂર્વે અમદાવાદની આંગડિયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે વડોદરામાં જીએસટીની ટીમ ત્રાટકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ત્રણ શો-રૂમમાં જીએસટીએ દરોડા પાડયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેવાડા કલેક્શન, મેવાડા ડ્રેસવાલા, સુલતાનપુરા ઘડીયારી પોરના શોરૂમમાં હાલ દરોડા ચાલી રહ્યા છે. એટલું જ નહીં રાવપુરા સહિત ત્રણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે અને હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી મળેલી સૂચનાઓને ધ્યાને લઇ હાલ આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ ઠેર ઠેર જગ્યા પર સર્ચ ઓપરેશન કરી કરોડો રૂપિયાની કરચોરી પકડી પાડે છે.