ચાંગા: કોરોના કાળનાં બે વર્ષ પછી આયોજિત નવલાં નોરતાંને પગલે-પગલે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) ચાંગાના રળિયામણા કેમ્પસમાં દર વર્ષની આગવી પરંપરા મુજબ 14 ઓક્ટોબરની ઝળહળતી સંધ્યાએ ભક્તિમય વાતાવરણમાં વાર્ષિક ગરબા મહોત્સવ ‘વૃંદ 2022′ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે માતૃસંસ્થા અને સી.એચ.આર.એફ.ના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા કેળવણી મંડળ અને સી.એચ.આર.એફ.ના માનદ મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, સહમંત્રી શ્રીમતી મધુબહેન પટેલ, જશભાઈ પટેલ, ઇન્ટરનલ ઓડિટર બિપિનભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, માતૃસંસ્થા, કેળવણીમંડળ, ચારુસેટ તેમ જ સી.એચ.આર.એફ.ના પદાધિકારીઓ, હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓના પ્રિન્સિપાલ, ડીન, સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોટી સંખ્યામાં વિદ્યાર્થી ગણ અને ચારુસેટ પરિવારના સભ્યોએ “નવરાત્રી આફટર રાત્રી”ની મનમોહક સંગીતના સથવારે ગરબાની મોજ માણી હતી. આ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ તેમ જ સ્ટાફ ઉત્સાહભેર રંગબેરંગી પારંપરિક પરિધાનોમાં થનગનાટપૂર્વક ગરબા રમતા નજરે પડ્યા હતા. ગરબાની ખાસ વિશેષતા એ હતી કે ચારુસેટમાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થી ભાઈ-બહેનો પણ ગરબામાં જોડાયાં હતાં.
મહાનુભાવોના હસ્તે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. ગરબાના અંતે વિવિધ કેટેગરીમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ઇન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIIM)ના આચાર્ય તથા ચારુસેટની એક્ઝિક્યુટિવ સેન્ટ્રલ કાઉન્સિલના કન્વીનર ડો. ભાસ્કર પંડ્યાના માર્ગદર્શન હેઠળ વૃંદ-2022નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
