ગાંધીનગર: લાંબા સમય બાદ પણ ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતા આજે ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા છે. પથિકાશ્રમ પાસે એકઠા થયેલા ઉમેદવારો તેનો આગળનો કાર્યક્રમ આપે તે પહેલા જ ઉપસ્થિત પોલીસ જવાનોએ ઉમેદવારોને ડીટેઈન કર્યા હતા. છેલ્લા બે-અઢી વર્ષથી સરકારી નોકરીની રાહમાં રહેલા ઉમેદવારોએ આજે બે હાથ જોડી પોતાની માગણી સ્વીકારવા સરકારને અપીલ કરી હતી.
ગુજરાતમાં વનવિભાગની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ 8 થી 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં પરીક્ષા લેવામાં આવી હતી. નોંધનીય છે કે 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. CBRT નોર્મલાઈઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. ત્યારે આજે ફરીવાર પડતર માંગણીને લઈને ઉમેદવારો ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસે 100 ઉમેદવારોની અટકાયત કરી હતી. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પોતાની રજૂઆત કરવા માટે આવેલા 100 જેટલા ઉમેદવારોને પોલીસ દ્વારા ડીટેઈન કરી પોલીસવાહનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ડીટેઈન કરવાનો પ્રયાસ કરતા પોલીસકર્મીઓ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. પોલીસ ઉમેદવારોને ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી.
ગાંધીનગર ખાતે ઊમટી પડેલા ઉમેદવારોની માગ છે કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા CBRT પદ્ધતિથી લેવાઈ છે. પરંતુ પાછલી લેવાયેલ કેટલીક પરીક્ષાઓમાં તે ખરી ઊતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે.
