પેટાચૂંટણીઃ જસદણનો જંગ શરુ, 20 ડીસેમ્બરે મતદાન, 23મીએ પરિણામ…

ગાંધીનગર– કુંવરજી બાવળીયાના ભાજપ પ્રવેશ બાદ ખાલી પડેલી જસદણ બેઠક તેમના રાજીનામા બાદ ખાલી પડી હતી. આ બેઠક પર પેટાચૂંટણીની તારીખે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે.ગુજરાત તેમ જ ઝારખંડમાં પણ પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે જસદણ બેઠક માટે  ગાંધીનગરમાં રાજ્ય ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજીને આ ચૂટંણીની પ્રક્રિયાની તારીખો જાહેરાત કરી છે. આ સાથે જસદણ મતવિસ્તાર માટે ચૂંટણી આચારસંહિતા લાગુ પડી ગઈ છે.સંજોગે ભાજપ-કોંગ્રેસ દ્વારા આજે જસદણમાં સ્નેહમિલન કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવેલાં છે. ત્યારે આ જાહેરાતે રાજકીય માહોલ ગરમાવી દીધો છે.આ પેટાચૂંટણીમાં મહત્ત્વની તારીખો આ પ્રમાણે છે.

જસદણ બેઠક- પેટાચૂંટણી તારીખો

26 નવેમ્બરે નોટિફિકેશન બહાર પડશે

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ડીસેમ્બર

4 ડીસેમ્બરે ફોર્મની ચકાસણી થશે

ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 6 ડીસેમ્બર

20 ડીસેમ્બરે યોજાશે મતદાન

23 ડીસેમ્બરે પરિણામ જાહેર થશે

 

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ…

જસદણ બેઠક પેટાચૂંટણીમાં જીતવું મેળવવી ભાજપ માટે પ્રતિષ્ટાનો જંગ બની રહેશે. તેનું મોટું કારણ છે કુંવરજી બાવળીયા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગણતરીના કલાકોમાં કેબિનેટ પ્રધાન પણ બની ગયેલાં કુંવરજી બાવળીયા વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતાં. આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી હોવાથી અહીં ભાજપે તેમના ઉમેદવાર તેમ જ રાજ્યના કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયાને જીતાડવા લોઢાના ચણા ચાવવા બરાબર છે. ખુદ સ્થાનિક ભાજપમાં પણ રાતોરાત પ્રધાન બનેલાં કુંવરજીભાઈ માટે વર્ષોથી કામ કરતાં આગેવાનોની ઉપેક્ષાની લાગણી પ્રવર્તી રહી છે. તેમની નારાજગી પણ કોંગ્રેસ માટે દોડવુંતુંને ઢાળ મળવા જેવું કામ કરશે.

ભાજપ નેતાગીરીને પણ આશંકા રહે તેમ છે.કેમ કે પેટાચૂંટણીમાં અમુક નેતાઓ કુંવરજીને હરાવવા પ્રયાસો કરી શકે છે.19 નવેમ્બરે જસદણમાં યોજાયેલી એક બેઠકમાં ભરત બોઘરા અને કુંવરજી એકસાથે દ્રશ્યમાન થાય છે.

કુંવરજીભાઈનો પ્રચાર કરી રહેલા ભાજપના જ એક નેતા અને આ બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા ભરત બોઘરાએ સ્નેહમિલન કાર્યક્રમમાં કુંવરજીભાઈની હાજરીમાં જાહેર મંચ પરથી જીભ લપસતાં કોંગ્રેસને રેકોર્ડબ્રેક મતો આપવાની વાત કહી હતી.

કુંવરજીની હાજરીમાં ભરત બોઘરાએ મંચ પરથી પ્રવચન આપતા કહ્યું હતુ કે, “કુંવરજીભાઈ બાવળિયાને જીતાડવાના છે. જેવી રીતે મને જસદણની જનતાએ મને પ્રેમ આપ્યો હતોએવો જ પ્રેમ આપવાનો છે. હવે હું અને કુંવરજીભાઈ ભેગા થયા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીની એક મોટી તાકાત ઉભી થઈ છે. આપણને આટલા મોટા નેતા મળ્યાં છે. હું કાયમ કોંગ્રેસને કહું છું કે તમને નેતાની કીંમત કરતા જ નથી આવડતી અને ભારતીય જનતા પાર્ટી નેતાઓને ખભે બેસાડીને ફરે છે. તમે કુંવરજીભાઈ જેવા નેતાની 25 વર્ષની કારકિર્દીની કદર નથી કરી. અમને આ માણસની તાકાતની ખબર છે, માટે જ અમે પ્રધાન બનાવ્યા છે. લોકશાહીના આ યજ્ઞમાં 90 ટકા મતદાન કરાવવાની જવાબદારી તમારા બધા લોકોની છે. અહીંથી કોંગ્રેસના રેકોર્ડ બ્રેક મતો નીકળવા જોઈએ.

જસદણ પેટાચૂંટણીમાં મત ગણિત

કુલ મતદારો- 2,24,290

મહિલાઓ-1,05,559

પુરુષો-1,18,731

કોળી મતદારો-35 ટકા

લેઉવા પટેલ મતદારો-20 ટકા

દલિત મતદારો-10 ટકા

ક્ષત્રિય મતદારો-8 ટકા

આહીર સમાજ-8 ટકા

કડવા પટેલ મતદારો-7 ટકા

લઘુમતી મતદારો-7 ટકા

અન્ય મતદારો-13 ટકા

 

ચૂંટણી જાહેર થતાં જ કુંવરજી બાવળીયાએ પોતાની ઐતિહાસિક જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તો રાજકારણના મોટા નેતા શંકરસિંહ વાઘેલાએ આ ચૂંટણીમાં કોંગ્રેસને પોતાનું સમર્થન હોવાની જાહેરાત કરી દીધી છે.