સુરત: સૈયદપરા વિસ્તારમાં રવિવારે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો. એના પડઘા રૂપે બીજા દિવસે સોમવારે સવારે સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસે જ્યા પથ્થરમારો થયો હતો એની આસપાસના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દીધું હતું.
ઘટના કંઇક આવી હતી, સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરો ફેંક્યા હતા. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ગણેશ મંડપ પર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંને કોમના લોકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો. જેના પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ આરોપીઓની ધરપકડ સાથે સોમવારે પાલિકા તંત્ર એ જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. પાલિકાની આ કામગીરીનો પણ તોફાનીઓએ આક્રમક વિરોધ કર્યો હતો. પણ દબાણો દૂર કરાયા હતા.
રાત્રી દરમિયાન હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી લીધી હતી જેથી આ ટોળાંને વિખેરવા પોલીસે 10થી વધુ ટીયરગેસ છોડયા હતા.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યુ કે સોમવારે બપોર સુધીમાં આ ઘટનામાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ માહોલ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે પછી તે કોઈપણ સમાજનો હોય. આની અંદર કોઈપણ પ્રકારની લાગણી, કોઈપણ પ્રકારની દયા હોય જ ન શકે. પથ્થર ફેંકવો અને પથ્થર ફેંકવાનો વિચાર પણ કઈ રીતે આવી શકે?
(અરવિંદ ગોંડલિયા- સુરત)