માંગરોળાના દરિયામાં બોટ પલટી, 1નું મોત 4ની શોધખોળ શરૂ

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સાર્વત્રિક ભારે થી અતિભારે વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના જુનાગઢમાં ગઈકાલે સવારથી આજે સાંજ સુધીમાં ગિરનાર અને વિસાવદરમાં આઠ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ, કેશોદ, મેંદરડા, ભેસાણ પંથકમાં છ ઇંચ તેમજ માળીયાહાટીનામાં બે અને માંગરોળમાં એક ઈંચ વરસાદ થયો હતો. ઉલ્લેખીય છે કે જુનાગઢ જિલ્લાની ઓઝત, ઉબેણ, સોનરખ,કાળવા નદીમાં ફરી પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદની આગાહી પગલે માછીમારોને દરિયામાં જવા પર મનાઇ ફરવામાં આવી છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને માછીમારોને સાવચેત કરવા માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા વરસાદની સ્થિતીને પહોંચી વળવા માટે કેશોદમાં એન.ડી.આર.એફ. અને જૂનાગઢમાં એક એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત રાખવામાં આવી છે.

હવામાનની ભારે આગાહી વચ્ચે માંગરોળઆના દરિયાકાંઠે એક બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દરિયો ખેડવા ગયેલા માછીમારો બોટમાં ફરી રહ્યા હતા. ત્યારે દરિયો તોફાનો બન્યો હતો. આ દરમિયાન બોટનું એન્જિન બંધ થઇ જતાં ભર દરિયે બોટ એકાએક બંધ થઇ ગઇ હતી અને પલટી ખાઇ ગઇ હતી. બોટમાં 8 માછીમારો સવાર હતા, જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે ને એક માછીમારનું મોત નિપજ્યું છે.ઘટનાની જાણ થતાં ડે.કલેક્ટર સહિત અધિકારીઓનો કાફલો અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. એનડીઆરએફ ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં ગત જુલાઈ માસમાં ભારે વરસાદ પડયો હતો. ત્યારે ભેસાણ અને માંગરોળ સિવાયના તમામ તાલુકામાં સિઝનનો સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ થઈ ગયો હતો. જ્યારે ભેસાણમાં પણ હવે 100 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વિલિંગડન ડેમ અને દામાંડરકુંડ ખાતે કોઈ અનિચ્છનીય બનાવન બને એ માટે તંત્રએ રેસ્કયુ ટીમ તૈનાત કરી દીધી છે.