અમદાવાદઃ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ઐતિહાસિક વિજય બાદ ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપને જીત મળી છે. જ્યારે કોંગ્રેસને ફાળે 3 બેઠક આવી છે. આ પરિણામોથી વધુ એકવાર ભાજપના કાર્યકરોમાં ઉત્સાહની હેલી છે તો કોંગ્રેસ કાર્યકરોએ નીચું મોં કરવાનો વારો આવ્યો છે.
ભાજપ પાસે અગાઉ ૬ બેઠકો હતી તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ ૧૧ બેઠકો પર કમળ ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭ બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ૩ ઉપર અટકી ગઇ છે. આમ, કોંગ્રેસ હંમેશાં પરાજય બાદ વિખેરાતી જાય છે.
આ મામલે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, પ્રત્યેક નાનીમોટી ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ જે રીતે ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના પરથી પ્રતિત થાય છે કે જનતા જનાર્દને હંમેશા ભાજપની વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને વિવિધ નગરપાલિકામાં જનતાજનાર્દને ભાજપના ઉમેદવારોને આશીર્વાદ આપ્યાં છે તે બદલ સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટી તેમનો હદયપૂર્વક આભાર માને છે. સાથે સાથે ભાજપના કર્મઠ કાર્યકરોનો પણ ગુજરાત ભાજપ આભાર માને છે.