વિધાનસભામાં મળ્યાં એવા સવાલના જવાબ, જે ઝટ મળતાં નથી, જાણો અગત્યની…

ગાંધીનગર– હાલમાં ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સોમવારે ધારાસભ્યો દ્વારા પૂછાયેલાં પશ્નોના જે તે વિભાગના પ્રધાનો દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં. ચોમાસા સત્ર દરમિયાન ખેડૂત અકસ્માત વીમા યોજના, ગરીબ પરીવાર, કૃષિ સિંચાઈ યોજના વગેરે મુદ્દાઓને લઈને પ્રશ્નોતરી કરાઈ હતી.

વિધાનસભા ખાતે પોરબંદર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ઓડિટ અહેવાલના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સહકાર રાજ્યપ્રધાન ઈશ્વરપટેલે કહ્યું કે, ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ ૩૭ મુજબ તમામ મંડળીઓને સ્વાયત સત્તાઓ આપી છે અને બોર્ડ ઓફ ડિરેકટર જ નિર્ણયો કરતા હોય છે. જે અનુસંઘાને પોરબંદર સંઘે પશુપાલકોના હિતમાં એમ.ઓ.યુ. કર્યા હતા. પોરબંદર દૂધ સંઘે કામધેનુ એન્ટરપ્રાઇઝને રૂ.૧૨ કરોડ એડવાન્સ પેટે આપ્યા હતા. લોન આપી નહોતી અને વ્યાજ પણ વસુલ કરી દેવાયું છે અને પ્લાન્ટ પણ સંઘ હસ્તક છે. પોરબંદર જિલ્લામાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા કામધેનું એન્ટ્રરપ્રાઇઝ પ્રા.લિ.ને ૧૨ કરોડ એડવાન્સ પેટે અપાયા તેમાં જોગવાઇ ન હોવા છતાં ૯ ટકાના દરે રૂ.૧.૬૫ કરોડનું વ્યાજ વસુલાયું છે કોઇ ગેરરીતિ કરાઇ નથી.

ભરૂચ જિલ્લામાં આજીવિકા વિકાસ કામોના પ્રશ્ન 

વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરી કાળમાં ભરૂચ જિલ્લામાં આજીવિકા વિકાસ માટેના કામોના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગ્રામ વિકાસ રાજ્યપ્રધાન બચુભાઈ બારડે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં ૫૯ સ્વસહાય જૂથોને રૂ.૬૨.૮૩ લાખના લાભો પૂરા પડાયા છે. કેન્દ્ર સરકારના ધારા ધોરણ મુજબ લાભો અપાય છે. આ યોજના હેઠળ ફરારખાના, ફરસાણ મેકીંગ યુનિટ, ફોર મીલ, ગ્રીન હાઉસ વીથ નર્સરી, પેપર ડીશ મેકીંગ યુનિટ, પોલ્ટ્રી યુનિટ, જેવા કામો હાથ ધરવામાં આવ્યા છે. સામાન્ય રીતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજન હેઠળપાંચ થી આઠ ગામોની ૫ હજાર એકર જમીનને આવરી લઇને લાભો અપાય છે. સામાન્ય જમીનમાં હેકટરદીઠ રૂ. ૧૨ હજાર તથા રણ વિસ્તારમાં હેકટરદીઠ રૂ. ૧૫ હજારની સહાય પૂરી પાડવામાં આવે છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત મહિસાગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કૃષિ ઉત્પાદન માટેના કામો અંતર્ગત ગ્રામ વિકાસ રાજય પ્રધાન બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, સિંચાઇ માટે વોટર પંપ માટે ૧૮૯ ખેડૂતોને રૂ.૪૨.૩૩ લાખ અને નાની સિંચાઇ અને વેલાવાળા શાકભાજી માટે ૧૮૫ લાભાર્થીઓને રૂ.૩૪.૨૯ લાખ મળી કુલ ૩૭૪ લાભાર્થીઓને કુલ રૂ.૭૬.૬૨ લાખની રકમનો લાભ મળે છે.

વધુમાં જણાવ્યું કે, ૨૦૦૯-૧૦માં સંકલિત જળસ્ત્રાવ યોજના નામે ઓળખાતી આ યોજના પ્રધાનમંત્રી કૃષિ યોજના અંતર્ગત પ્રોજેકટનો ગાળો ચારથી સાત વર્ષનો હોય છે અને સર્વે કરી જરૂરીયાત અનુસારના લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.

અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખેડૂતોને રૂ.૨ લાખની  સહાયની જોગવાઇ : 

રાજ્યમાં અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના હેઠળ ૨૩.૧૧.૨૦૧૮થી રૂ. ૨ લાખની સહાય, જ્યારે એક હાથ, પગ, આંખ જેવી અપંગતાના કેસમાં રૂ. ૧ લાખ સહાય આપવામાં આવે છે, તેમ આજે વિધાનસભા ગૃહમાં ઉંઝાના ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલ દ્વારા ખેડૂત અકસ્માત વીમ સહાય અંગે પૂછાયેલા તારાંતિક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્ય કૃષિ પ્રધાન જયદ્રથસિંહ પરમાર દ્વારા જણાવાયું હતું. મહેસાણા જિલ્લામાં વર્ષ- ૨૦૧૮-૧૯ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમાની ૯૨ અરજીઓ મળી હતી જેમાં તા.૩૦ જૂન-૨૦૧૯ની સ્થિતિએ ૪૪ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં રૂ.૩૭ લાખથી વધુની સહાય ખેડૂતોના પરિવારને ચૂકવવામાં આવી છે. જ્યારે બાકીની ૫૫ અરજીઓ વિવિધ કારણોસર પ્રક્રિયા હેઠળ છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે ગૃહમાં આ અંગે વધુ માહિતી આપતાં કહ્યું કે, વર્તમાન સરકારે પ્રથમવાર ખેડૂતોના અકસ્માત મૃત્યુના કિસ્સાઓમાં રૂ. ૨ લાખની વીમા સહાય કરવાની શરૂઆત કરી છે. અમારી સરકારે સાચા અર્થમાં ખેડૂતોની ચિંતા કરી છે.

રાજ્ય કૃષિ પ્રધાને કડીના ધારાસભ્ય કરશનભાઇના પૂરક પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું હતું કે, વીમા માટેની અરજીઓમાં નિયત કરેલા દસ્તાવેજો સામેલ કરવાના હોય છે. જેના લાભાર્થી ખેડૂતના પરિવારને  સમયસર લાભ મળી શકે.

જનતાને શ્રેષ્ઠ કક્ષાની એસ.ટી. બસ સુવિધા આપવા કટિબદ્ધ

રાજ્યની સાડા છ કરોડની જનતાને છેવાડાના ગામ સુધી શ્રેષ્ઠ અને સલામત એસ.ટી. બસની સુવિધા આપવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. રાજ્યના નાગરિકોને ખાસ કરીને ઉનાળામાં ગરમીના દિવસોમાં એ.સી.વોલ્વો બસમાં મુસાફરી કરી શકે તે હેતુથી ખાનગી બસ કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે, તેમ વિધાનસભા ગૃહમાં ખાનગી કંપનીઓ પાસેથી બસો મેળવવા અંગેના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું.

તાજેતરમાં જ રાજ્યના નાગરિકોને વધુ સુવિધા આપવાના હેતુથી વિજય રૂપાણીના હસ્તે ભાવનગર સહિત વિવિધ સ્થળોએ નવી સારી બસો, નવા રૂટ, તેમજ નવા બસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.  ખાનગી કંપનીઓ પાસેથી બસો મેળવવા કરેલ કરારો રદ કરવા અંગે ત્રણ ફરિયાદો મળી હતી જેમાંથી એક અરજી ફરિયાદ સ્વીકારવામાં આવી છે. આ ફરિયાદની યોગ્ય તપાસ કરતાં તેમાં કોઇ તથ્ય જણાયેલ નથી. આ ટેન્ડરની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી કરવામાં આવી છે.

બે વર્ષ દરમિયાન રાજ્યના જુદા જુદા સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયા: રાજ્ય પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ આજે ગાંધીનગર ખાતે ૧૪માં વિધાનસભા સત્રમાં એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય રાકેશભાઇ શાહ અને ઠક્કરબાપાનગરના ધારાસભ્ય વલ્લભભાઇ કાકડિયા દ્વારા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ખર્ચ અંગે પુછવામાં આવેલ લેખિત પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઉમેર્યું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં વિભિન્ન સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો અને છેલ્લા બે વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૮ જિલ્લામાં ૫૩૫ અને વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૧૦ જિલ્લામાં ૭૯૬ પતંગબાજોએ ભાગ લીધો હતો. જેમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૧ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૭ રાજદૂત/મહેમાનોએ ભાગ લીધો હતો. 

વધુમાં વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રાજ્ય સરકાર દ્વારા ૮૩૭.૬૭ લાખ અને વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન રૂપિયા ૭૧૩.૧૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છેલ્લાં બે વર્ષમાં રૂ.૧૫૫૦.૮૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.